મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણ નગરમાં ઉજવાઈ રહ્યો છે. આજરોજ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મદિવસ હોઈ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિ:શુલ્ક ઑપરેશન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 350થી વધુ લોકોના ઓપરેશન તદ્દન મફત કરી આપવામાં આવશે. આ માટે આજે સાંજે 7 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ' જેમણે પોતાના 95 વર્ષનું સમગ્ર જીવન માનવઉત્કર્ષ અને લોકહિત માટે વિતાવ્યું હતું. બીજાના ભલામાં આપણું જ ભલું છે આ જીવનસૂત્ર સાથે જેમણે લાખોના જીવનમાં સદભાવના પ્રસરાવી છે. ત્યારે તેમના ઉદ્દેશને સાર્થક કરવાનું બીડું શહેરના તજજ્ઞ તબીબોએ ઉઠાવ્યું છે. અને નિષ્ણાંત ડોક્ટરોએ નિ:શુલ્ક ઑપરેશન યજ્ઞનું આયોજન કર્યું છે. જે અંતર્ગત આજે સ્વામિનારાયણ નગર, સેવાનંદ પ્રદર્શન ખંડની બાજુમાં બ્લડબેંક યુનિટમાં જરૂરિયાતમંદ દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આગામી એક માસમાં તમામ દર્દીઓના ઓપરેશન સંપન્ન કરવામાં આવશે.