મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : ધોરાજી પંથકમાં છેલ્લા ઘણા સમયથી બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. આ મુદ્દે અનેક રજૂઆતો છતાં તંત્ર ખનીજ માફીયાઓના ઘૂંટણિયે પડ્યું હોય તેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આજરોજ સ્થાનિકોએ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને વિવિધ પોસ્ટરો દ્વારા પોતાનો આક્રોશ પ્રગટ કર્યો હતો. પોસ્ટરમાં અહીં ગુજરાત સરકારનું નહીં ખનીજ માફીયાઓનું રાજ ચાલતું હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

ધોરાજી નજીક ભાદર, વેણું, મોજ સહિતની નદીઓમાંથી વારંવાર મોટી માત્રામાં રેતીની ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. છતાં પગલાં ભરવામાં તંત્ર વામણું પુરવાર થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મુદ્દે શહેરના મુખ્ય વિસ્તારોમાં પોસ્ટરો લગાવી સ્થાનિકોએ કોંગ્રેસ સાથે મળી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ ખનીજ ચોરો સામે કડક હાથે કામ લેવાની માંગ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.