મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં આગામી તારીખ 13 ના રોજ એક સભાનું આયોજન કરાયું છે. આ સભામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમજ જેએનયુના નેતા કન્હૈયાકુમાર એક મંચ પર હાજર રહેવાના છે. એક તરફ આ સભા માટે ટીમ ઇન્દ્રનીલ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં "દેશની એકતા વિરોધીઓનો વિરોધ કરો, રાજકોટ બચાઓ દેશ બચાઓ"ના પોસ્ટર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

જો કે આ પોસ્ટર સોશિયલ મીડિયામાં કોણે વાયરલ કર્યા તે તો તપાસનો વિષય છે, પરંતુ પોસ્ટરમાં હાર્દિક, જીજ્ઞેશ તેમજ કન્હૈયાકુમાર પર લાલ ચોકડી કરીને તેનો સ્પષ્ટ વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ આ પોસ્ટર્સ પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો આ વાયરલ પોસ્ટર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે અને આ સભામાં પણ ભારે હંગામો થવાની અટકળો સેવાઇ રહી છે.