મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદર: કોસ્ટલ હાઇવે પર ગોસાબારાની જગ્યામાં 1993માં RDX લેન્ડ થયું હોઈ આ જગ્યા RDX લેન્ડિંગવાળી જગ્યાના નામથી ઓળખાય છે. IB દ્વારા આ જમીનમાં સોનુ દાટવામાં આવેલું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે દિલ્હી પોલીસ દ્વારા ખાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જો કે આ સર્ચ ઓપરેશનથી સ્થાનિક પોલીસ સહિત મીડિયાને પણ દૂર રાખવામાં આવ્યું છે.

દિલ્હી પોલીસના અમુક ખાસ અધિકારીઓની દેખરેખમાં ચાલી રહેલા આ  સર્ચ ઓપરેશનમાં સમુદ્ર કિનારાની આ જગ્યામાં એક જેસીબી દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. જો કે સ્થાનિક પોલીસ અને મિડિયાને આ જગ્યાથી દોઢ કિલોમીટર દૂર રાખવામાં આવ્યું છે. હાલ શહેરીજનોમાં પણ આ બાબતે અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ખરેખર આ જગ્યામાં સોનુ મળે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.