મેરાન્યૂઝ નેટવર્ક, પોરબંદર: રાણાવાવ નજીક અમરદડ ગામે આડાસંબંધના લોહિયાળ અંજામનો કિસ્સો સામે આવ્યો હતો. છકડો રિક્ષાચાલક માલદે અરશીભાઇ ગાજરોતર નામના એક યુવાનની લાકડી, ધોકાના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ અંગે હાલ ચાર શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે મુખ્ય આરોપીને ઝડપી લેવા શોધખોળ ચાલે છે.

ગુરૂવારે રાત્રે અમરદડ ગામે રહેતા અને છકડો રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં માલદે અરશીભાઇ ગાજરોતર નામના યુવાનને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં તેની લાશ જ પહોંચી હતી. આ અંગેની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં મૃતક તેના ગામના સુરેશ નારણભાઇના ઘેર ગયો હતો. ત્યારે સુરેશ અને અન્ય ચાર શખ્સ તેના પર લાકડી અને ધોકાથી તુટી પડ્યા હતાં અને તેની હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું.

મૃતકના ભાઇ કરશનભાઇ અરશીભાઇ ગાજરોતરે નોંધાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેના ભાઇ માલદેને નારણ ઉર્ફે નાથાની પત્ની સાથે પ્રેમસંબંધ હતો અને ગુરૂવારે રાત્રે તેનો ભાઇ તેના ઘેર ગયો હતો. ત્યારે સુરેશ ઉપરાંત રામશી હરદાસ નકુમ, નગા હરદાસ નકુમ, પ્રકાશ રામસી નકુમ અને રમેશ ગોવાભાઇ રાઠોડે લાકડી,ધોકાના આડેધડ ઘા મારીને તેના ભાઇની હત્યા કરી હતી. જેને પગલે પોલીસે ગણતરીની કલાકોમાં ચાર આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી સુરેશની શોધખોળ આદરી છે.