મેરાન્યૂઝ નેટવર્ક. પોરબંદર: રાણવાવ નગરપાલિકાની ગત ચૂંટણીના જૂના મનદુ:ખને કારણે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં પાલિકાના નગરસેવક હાજા વિરમ ખુંટી અને ભાજપના કાર્યકર કાના ભૂરા કડછાની કરપીણ હત્યા કરવામાં આવતા સ્થાનિક ભાજપ સહિત મેર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગત પાલિકાની ચૂંટણીના મનદુઃખને લઇને બન્નેને રહેસી નાંખવામાં આવ્યા હતા. 3 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા નગરસેવક હાજા વિરમ ખુંટીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કાના કડછાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. ઉલ્લેખનીય છે કે હાજા ખુંટી ગત નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટાયા હતા.