મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ દિવાળી આવે એટલે રાજ્ય અને કેન્દ્ર સરકારની ચોક્કસ ઓફિસ દ્વારા લાખો રૂપિયાનું ઉઘરાણુ કરવામાં આવે છે, પરંતુ આ ઉઘરાણા એટલા મોટા પ્રમાણમાં હોય છે કે સરકારી અધિકારીઓને ઉઘરાણા કરવા માટે પણ રજા ઉપર ઉતરી જવું પડે છે, આવું જ કઈક સુરતના પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સાથે થયું, તેઓ રજા ઉપર ઉતરી ઉઘરાણા કરવા નિયળ્યા અને વડોદરા પાસે ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીઓએ તેમને દોઢ લાખ ઉઘરાણાની રકમ સાથે ઝડપી લીધા હતા.

સુરતની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં વર્ગ એકના અધિકારી તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલે દિવાળીના ઉઘરાણા કરવા માટે રજા લીધી હતી, અને તેઓ રજા લઈ તેમના તાબામાં આવતી સુરત અને તેના આસપાસની ફેકટરીમાં જઈ ઉઘરાણા કરી રહ્યા હતા, આ દરમિયાન એક ફેકટરી માલિકે ઉઘરાણુ કરી નિકળેસા રાજેશ પટેલ અંગે વડોદરા એસબીની જાણ કરી હતી, રાજેશ પટેલ ઉઘરાણામાં મળેલી રકમ પોતાના અમદાવાદના ઘરે મુકવા જઈ રહ્યા છે તેવી જાણકારી હતી.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત ઓફિસના વડા રિજિયોનલ ઓફિસર આર.વી. પટેલ પોતાની કાર લઈ સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા. પટેલે સુરતના અલગ અલગ કંપનીઓ પાસેથી દીવાળીની ગિફ્ટના રૂપમાં રોકડ રકમનું ઉઘરાણું કર્યું હોવાની બાતમી એસીબીને સાંપડી હતી. એ સાથે જ વડોદરા એસીબીના મદદનીશ નિયામક એન.પી. ગોહીલ અને તેમની ટીમે ગોરવા વિસ્તારમાં આર.વી. પટેલની કાર રોકી હતી. તેની તલાસી લીધી તો તેમાંથી અલગ અલગ કંપનીના કવારમાં પડેલા રોકડા રૂ. 1.40 લાખ મળી આવ્યા હતા. 

આ માહિતીને આધારે વડોદરા એસીબીના ઈન્સપેકટર  આર એન દવે જામ્બુવા ચોકડી પાસે ઉભા હતા ત્યારે રાજેશ પટેલની ઈનાવા કાર પસાર થતાં એસીબીના સ્ટાફે કારને અટકાવી તલાશી લેતા તેમાંથી દોઢ લાખ રોકડ મળી હતી આ રકમ અંગે રાજેશ પટેલને પુછતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકયા ન્હોતા, જેના કારણે એસીબી દ્વારા તેમની ગેરકાયદે અને અપ્રમાણસર આવક માટે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.