મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: જસદણ તાલુકાના આટકોટ ગોંડલ ચોકડી નજીક રાત્રે લાખાવડ ગામના બાઇક ચાલક દંપતિને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતક યુવાન આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ દોડી ગયેલી પોલીસે દંપતિની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

આટકોટ પંથકના લાખાવડ ગામે રહેતા લાખાભાઇ અને તેમની પત્ની GJ-03/FC/1905 નંબરનું બાઈક લઈને કામ સબબ નીકળ્યા હતા. આટકોટની ગોંડલ ચોકડી નજીક પહોંચ્યા ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પાછળથી ઠોકર મારતા દંપતિ ફંગોળાઈ જતા અજાણ્યા વાહન નીચે ચગદાઈ ગયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે બંનેનું કરૂણ મોત નિપજ્યું હતું.

ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન લાખાભાઇ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દોડી જઈ બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.