મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: સામાન્ય સંજોગોમાં પોલીસ માટે પડકારરૂપ હોય તેવા ગુનાની તપાસ પોલીસ  કમિશનર ક્રાઇમ બ્રાંચને સોંપી દેતા હોય છે. પણ સુરતમાં એક  કિસ્સો એવો બન્યો જે પોલીસ માટે પડકારરૂપ જ છે. આમ છતાં આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી નહીં એટલું જ નહીં માતા-પુત્રની હત્યા કરાયેલી લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી મળી એ ઘટનાને તા. 19મીએ બે મહિના પૂરા થયા છતાં હજુ સુધી પોલીસ આ મહિલાની ઓળખ સુદ્ધાં કરી શકી નથી.

સણિયા ગામની સીમમાંથી બે મહિના પૂર્વે માતા-પુત્રની હત્યા કરાયેલી લાશ મળી હતી. કરુણતા કહો કે કમનસીબી પણ બે મહિના પછીય પોલીસ હજુ સુધી આ માતા-પુત્રની ઓળખ સુદ્ધાં કરી શકી નથી. આ મહિલાના કોઈ સગા-સંબંધી સામે ચાલીને પોલીસનો સંપર્ક કરે તેની રાહ જોઈ પોલીસ માથા પર હાથ દઈને બેસી રહી છે.

ગઈ તા. 19-5-2018ના રોજ સણિયા ગામની સીમમાં, ઇકલેરા ચાર રસ્તા પાસેની એક ખેતરમાંથી મહિલા અને બાળકની હત્યા કરાયેલી લાશ પ્લાસ્ટિકના મોટા કોથળામાં પેક કરેલી હાલતમાં મળી હતી. બન્નેનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો તો ખ્યાલ આવ્યો કે આ બન્ને માતા-પુત્ર હતા.

આટલી સ્પષ્ટતા થયા બાદ પ્રારંભે ડિંડોલી પોલીસે આ બન્નેની ઓળખ થાય તે માટે મહેનત કરી પરંતુ તેમાં સફળતા ન સાંપડતા આખરે આ મહિલાના સગા સંબંધીઓ પોલીસનો સંપર્ક કરશે એ વાતને ધ્યાને લઈ ડિંડોલી પોલીસે તપાસ થંભાવી દીધી.

બીજી બાજુ આવા કિસ્સામાં ક્રાઇમ બ્રાંચની ટીમે પણ મહેનત કરવી જોઇએ તેવી મહેનત કોઈ કારણોસર ક્રાઇમ બ્રાંચની ટીમે કરી નહીં. હજુ પણ ક્રાઇમ બ્રાંચની ટીમ સક્રિય રીતે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે મહેનત કરતી હોય તેવાં એંધાણ દેખાતાં નથી.

આ પહેલા પાંડેસરા પોલીસ મથકની હદમાંથી માતા અને પુત્રીની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ બન્નેની ઓળખ કરવા અને હત્યારાને પકડી પાડવા માટે શહેરભરની પોલીસ રીતસર ઉંધા માથે થઈ ગઈ હતી. કારણ કે તે વખતે રાષ્ટ્રીય સ્તરે બળાત્કાર અને હત્યાનો મામલો ગરમાયો હતો. પાંડેસરા પોલીસ ઉપરાંત સચિન, સચિન જીઆઈડીસી, ખટોદરા, અઠવા પોલીસ, ડીસીબી, પીસીબી, એસઓજીની ટીમ મળી કુલ 400 જેટલા પોલીસ કર્મચારીઓ ધંધે લાગ્યા હતા. આ જ પોલીસ આ કિસ્સામાં અત્યાર સુધી તો સુષુપ્તાવસ્થામાં હોય તેવી હાલત છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમની રાહ જોઇ છે કે શું?

પાંડેસરાની ઘટનામાં ડીજીપી શિવાનંદ ઝાએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમને મદદ માટે મોકલી હતી. આ કિસ્સામાં પણ ડીજીપી અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમને મોકલે તેની શહેર પોલીસ રાહ જોઈ રહી છે કે શું?