મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: પોલીસની સમાજ રક્ષક તરીકેની ભૂમિકાને ઉજાગર કરતો કિસ્સો સામે આવ્યો છે. જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકેથી જેમાં એક માતા પોતાની પુત્રી સાથે આપઘાત કરે તે પૂર્વે જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને ઘટના સ્થળે દોડી જઈ બે જીંદગી બચાવી લઈ પ્રશંસનીય કામગીરી કરી હતી.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ડબાસંગ અને ધુણીયા ગામ વચ્ચે આવેલ રેલ્વે ટ્રેક પર એક માતા – પુત્રી બેસી ગયા હોવાના અને આપધાત કરવા આવ્યા હોવા અંગે ફાટકમેન સત્યાભાએ લાલપુર પોલસને જાણ કરી હતી. આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી એક ગુનાના કામે તપાસમાં જોતરાયેલ પોલીસ સબ ઇન્સ્પેકટર રાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સદનસીબે કોઈ ટ્રેન પસાર નહીં થતા ડબાસંગ ગામના મહિલા કીર્તિબેન પ્રવીણ ભાઈ ચુડાસમા અને તેની માસુમ પુત્રી મીરા ટ્રેક  વચ્ચે બેઠેલા મળી આવ્યા હતા. મહિલા પોલીસ સહિતના સ્ટાફે કીર્તીબેનને સાંત્વના આપી ટ્રેક નીચે લઇ આવ્યા હતા. પોલીસની હાજરીના પગલે મહિલા હેબતાઈ ગયા હતા.

જો કે પોલીસના માનવીય અભિગમ અને સાંત્વના થકી તેણીને થોડી હિંમત આવી હતી અને પોતાની દાસ્તાન પોલીસને કહી હતી. પોતાના પતિ સાથે અવારનવાર ઝગડો થતો હોય ઝગડા કરતા પતિના કાયમી કંકાશથી કંટાળી પોતે માસુમ પુત્રી સાથે જીવતર ટુંકાવવા અત્રે આવી હોવાનું જણાવી ચોધાર આશુએ રડવા લાગી હતી. પોલીસે થોડી ધરપત આપી તેણીના પતિને લાલપુર પોલીસ દફ્તર બોલાવ્યો અને બંને વચ્ચે સમાધાન કરાવી પોલીસે એક ઘરને ઉઝડતા બચાવી કબેલેદાદ કામગીરી કરી હતી. આ કામગીરીનો એટલો જ શ્રેય ફાટકમેનને પણ મળ્યો છે.