મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું હોય છે પરંતુ સત્તામાં કોણે બેઠુ છે તે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા નક્કી થાય છે. સામાન્યતઃ પોલીસ પોતાની મિલ્કતની તકરારને લઈ પોલીસ પાસે જાય તો પોલીસ દિવાની ફરિયાદ છે તેમ કહી તેમને કાઢી મુકે છે. તાજેતરમાં પાલડી ખાતે વિશ્વા હિન્દુ પરિષદનો કબજો અપાવવા માટે પોલીસના ધાડા ઉતરી પડયા હતા કારણ પ્રવિણ તોગડિયા પાસે આ મકાનનો કબજો લઈ લેવામાં આવે તેવી ભાજપની ઈચ્છા હતી. હવે બજરંગ દળનો હવાલો પણ ભાજપ તરફી નેતાઓ પાસે હોવાને કારણે વેલેન્ટાઈન્સ ડેના પર્વે અમદાવાદ પોલીસ જાણે બજરંગ દળનો ભાગ હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. 

હમણાં સુધી વિશ્વ હિન્દુ પરિષદના કર્તાહર્તા પ્રવિણ તોગડિયા હતા. ત્યારે વેલેન્ટાઈન્સ ડેના દિવસે જાહેર સ્થળોએ બેઠેલા યુગલોને પજવતા બજરંગ દળના નેતાઓને પોલીસ ભગાડી દેતી હતી, પણ હવે બજરંગ દળનું નેતૃત્વ બદલાયુ અને ભાજપ તરફ નેતાઓના હાથમાં આવ્યું તેના કારણે પોલીસે પણ હવે પવનની દિશા પ્રમાણે પોતાનો વ્યવહાર પણ બદલી નાખ્યો છે. અમદાવાદના બગીચાઓ અને ખાસ કરી રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રેમી યુગલો આમ દિવસોમાં પણ આવતા હોય છે અને જ્યારે વેલેન્ટાઈન્સ ડે હોય ત્યારે પ્રેમીઓની સંખ્યા વિશેષ હોય છે.

વેલેન્ટાઈન્સ ડેના દિવસે પહેલાથી અમદાવાદ પોલીસે બગીચાઓ તથા રિવફ્રન્ટ ઉપર પોલીસ ગોઠવી દીધી હતી, આમ તો પોલીસે ત્યાં આવેલા પ્રેમીઓને કોઈ પરેશાન કરે નહીં તેનું ધ્યાન રાખવાનું હતું, પરંતુ રાજકીય આકાઓ જે પોલીસની બદલી કરવામાં સમર્થ છે તેમને શું પસંદ પડશે તેવો વ્યવહાર પોલીસે કર્યો હતો. પોલીસે પ્રેમી યુગલોને ભગાડી મુકવા આવેલા બજરંગ દળના નેતાઓ સામે કાર્યવાહી કરવાને બદલે ખુદ પોલીસે પ્રેમી યુગલોને જ જાહેર સ્થળ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. આમ પોલીસ પણ જાણે પ્રેમ કરનારની વિરૂધ્ધ અને બજરંગ દળનો ભાગ હોય તેવી પ્રતિતી થઈ રહી હતી.