મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના સરથાણા જકાતનાકા ખાતે હાર્દિક પટેલ કારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની કારને પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી. હાર્દિક પટેલે પોતે અલ્પેશના ઘરે જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસને વાત પર વિશ્વાસ ન બેસ્યો અને તેમને શંકા હતી કે તે ઉપવાસ પર બેસસે તેથી હાર્દિક પટેલની અટકાયત પોલીસે દ્વારા કરી લેવામાં આવી હતી.

સુરતમાં આગના બનાવમાં બાળકો મોતને ભેટ્યા તેમના મૃત્યુને પગલે ઠેરઠેરથી ન્યાયની માગ થઈ રહી છે. જવાબદારો સામે એક્શન લેવાય તેવી માગ થઈ રહી છે. આવી જ ન્યાયની માગ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ કરી હતી અને એક્શન ન લેવાય તો ધરણા કરવાની ચીમકી આપી હતી.

જોકે તંત્ર હાર્દિકની આ ચીમકીને લઈને ચિંતિત થઈ ગયું હતું. આજે સોમવારે તેઓ જ્યારે કારમાં અલ્પેશ કથિરિયાના ઘરે જવા નિકળ્યા હતા ત્યારે રસ્તામાં સરથાણા જકાતનાકા ખાતે તેમને પોલીસ દ્વારા અટકાવી લેવાયા હતા અને તે દરમિયાન થોડી રકઝક કરી હતી. જોકે જ્યારે પોલીસને કહેવાયું કે તે અલ્પેશના ઘરે જઈ રહ્યા છે પરંતું પોલીસને તેમના પર વિશ્વાસ ન આવતા પોલીસે પોતાની કામગીરી આગળ વધારતાં હાર્દિક પટેલની અટકાયત કરી છે, હાર્દિક પટેલને પોલીસ કડોદરા બાજુ લઈ જઈ રહી છે. તેવું સુરત પાસ કન્વીનર ધાર્મીક માલવીયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું.

ધાર્મિક માલવીયાએ કહ્યું કે, તેઓ અલ્પેશ કથિરિયાના ઘરે મુલાકાત માટે જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે રસ્તામાં તેમને રોકી લેવામાં આવ્યા છે. મોટી ઘટનાને લઈને પોલીસ ભયમાં છે કે જો હાર્દિક ધરણા કરશે તો પોલીસની દોડધામ વધી જશે. અમે ધરણાની પરવાનગી માગી છે પરંતુ આપતા જ નથી. અમે કોઈ રાજકારણ કરવા માગતા નથી પરંતુ અમે ન્યાયની માગ કરી રહ્યા છે. ક્યાંકને ક્યાં ભાજપાની સંડોવણી હોય તેવું દેખાઈ રહ્યું છે. અમે જવાબ માગીએ છીએ અને તેમાં એવું કહેવાય છે કે રાજકારણ રમાય છે.

ભાજપ નેતા વરુણ પટેલે કહ્યું કે, હાર્દિકને કેટલો પ્રતિસાદ છે તે દેખીતું છે, બાળકોના મોત થયા તે દુઃખદ છે બધાને દુઃખ હોય ત્યારે આ દુઃખના સમયમાં રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. દરેક મુદ્દામાં હું રાજકીય બાબતની વાત કરવા નથી માગતો તેથી હું વધુ નહીં કહું પણ હું એટલું જ કહીશ કે આ કોઈ પરિવારની યાતનાનો સમય છે યાતનાનો ઉપયોગ ન કરવો જોઈએ. હું હજું પણ કોંગ્રેસને કહેવા માગું છું કે કોઈના લાગણીઓનો સહારો લઈ આંદોલનો ધરણા કરવા તે યોગ્ય નથી.