મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ ગાંધીના ગુજરાતમાં હોળી-ધુળેટીના તહેવારમાં કેટલાક દારૂના શોખીનો રંગે રંગાવાની સાથે વિદેશી દારૂની મહેફિલ માણી ઝુમતા હોવાથી વિદેશી દારૂની માંગમાં મોટા પ્રમાણમાં વધારો થતો હોય છે. બુટલેગરો દારૂની હેરાફેરીમાં લકઝુરિયસ વાહનોનો ઉપયોગ કરી પોલીસની આંખમાં ધૂળ નાખતા હોય છે. શામળાજી પોલીસે અણસોલ ગામની નજીકથી પસાર થતી ન્યુ-બ્રાન્ડેડ સ્કોર્પિઓ કારમાંથી ૩.૩૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી હરિયાણાના ૨ યુવા બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

શામળાજી પીએસઆઈ કેતન વ્યાસ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા અણસોલ ગામની સીમમાંથી પસાર થતી સ્કોર્પિઓ (ગાડી.નં.DL 1 NA 2905 ) ને અટકાવી તલાસી લેતા સ્કોર્પિઓ ગાડીમાં સંતાડીને રાખેલી વિદેશી દારૂની પેટી-૯૪ બોટલ નંગ-૧૧૨૮ કિં.રૂ.૩૩૮૪૦૦/- નો જથ્થો જપ્ત કરી બીરભાન રણધીરસિંગ જાટ અને અનિલ દલબીર પંડિત (બંને, રહે ગોસાઈ ખેડા, હરિયાણા) ની ધરપકડ કરી સ્કોર્પિઓ ની કિં.૫૦૦૦૦૦/- થતા મોબાઈલ નંગ-૨ કિં.રૂ.૪૦૦૦/- મળી કુલ.રૂ.૮૪૨૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર હરિયાણાના જુલાનાના બુટલેગર આશિષ ઉર્ફે છોટી સામલો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. શામળાજી તરફથી આવનારો વિદેશી દારૂ ક્યાં જવાનો હતો...? તેની તપાસ પોલીસે હાથધરી હતી.