મેરાન્યુઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા આજે પોલીસ દળને ‘સ્માર્ટ યુગ’ પ્રત્યે અભિપ્રેત કરવાના નવતર અભિગમ પોકેટ કોપ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે. રૂપિયા સાડા પાંચ કરોડના ખર્ચે આ પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, તપાસ અધિકારી, પી.સી.આર.વેન અને પાસપોર્ટ વેરીફીકેશન કામગીરી સંભાળતા પોલીસકર્મીઓને ૪૯૦૦ સ્માર્ટ મોબાઇલ ફોન ડેટા કનેક્ટિવિટી સાથે આપવામાં આવશે.આ સ્માર્ટ ફોનમાં ૬૮ લાખથી વધુ ગૂન્હાહિત રેકર્ડ ધરાવતી વ્યક્તિઓ-ગુનેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે. આ પોકેટ કોપ પ્રોજેક્ટનો પ્રયોગ સૌપ્રથમ ગાંધીનગરમાં કરી ૨૧૦૦ નાગરિકોના પાસપોર્ટનું વેરિફિકેશન ઘર બેઠા કરવામાં આવ્યું છે.  

આ પોકેટ કોપ પ્રોજેક્ટ લોન્ચ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  આ  મોબાઇલ ફોનને પરિણામે પોલીસ કર્મીઓની કાર્યદક્ષતાની વૃદ્ધિ સાથે ગુન્હેગારોનો રેકર્ડ હાથવગો રહેતાં ગૂનાખોરી પર નિયંત્રણ આવશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે આગામી ૩ મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓને સી.સી.ટી.વી નેટવર્કથી સાંકળી લેવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી છે.ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ૬ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો અને ૩૩ જિલ્લાઓમાં સી.સી.ટી.વી. નેટવર્ક કાર્યરત કરાશે. જેનાથી ક્રાઇમ ડિટેક્શન અને પ્રિવેન્શનમાં નોંધપાત્ર સફળતા મળશે. ગુજરાત પોલીસમાં ગત વર્ષે ૧૮,૦૦૦ જેટલી નિમણૂંકો કરાઇ છે. આ વર્ષે ૫,૫૦૦ નવી નિમણૂંકો કરાશે. આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ,ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. એસ. ડાગુર, પોલીસ વડા શિવાનંદ જહાએ પોતાના વિચારો રજુ કર્યા હતા. જ્યા ઉચ્ચ પોલીસ અધિકારી ડૉ. સમશેરસિંઘે પોકેટ કોપ પ્રોજેક્ટનું પ્રઝેન્ટેશન કરી વિગતો આપી હતી.

ગુજરાત સરકાર ધ્વારા આજે પોકેટ કોપ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે. આ પોકેટ કોપની વિશેષતાઓમાં પાસપોર્ટ વેરીફીકેશન, ગુનેગાર-ખોવાયેલ વ્યક્તિ અને વાહનની શોધ સરળતા અને ઝડપથી કરી શકાશે.

(૧) પાસપોર્ટ વેરીફીકેશન(Passport Verification): પાસપોર્ટ હેતુથી અરજદારોની પાસપોર્ટ અરજીઓ જિલ્લાના પોલીસ અધિક્ષકને અને ત્યાંથી સંબંધીત પોલીસ સ્ટેશનમાં પોલીસ વેરીફિકેશન માટે મોકલવામાં આવે છે. હાલ પોલીસ વેરીફિકેશનની કામગીરી માટે નાગરિકોને તેઓના રહેણાંકનો પુરાવો, આઇડી કાર્ડ તેમજ બે સાક્ષીઓના નિવેદનો લઇ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે. પોલીસ વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતા ગુનેગારોના રજીસ્ટરની ચકાસણી કરીને પોલીસ વેરીફિકેશન કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ૭ થી ૧૫ દિવસનો સમય લાગે છે.  

ગુજરાત પોલીસ દ્વારા આધુનિક તકનીકનો પ્રયોગ કરીને પોલીસ વેરીફિકેશન માટે એક મોબાઈલ એપ્લીકેશન વિક્સાવવામાં આવી છે. આ એપ્લીકેશન દ્વારા કરવામાં આવતા પોલીસ વેરીફિકેશન માટે નાગરિકોને પોલીસ સ્ટેશને જવાની જરૂર રહેશે નહી. આ મોબાઇલમાં GPS (Global Positioning System) ઓન હોવાથી અરજદારના રહેણાંકના પુરાવાની ચકાસણી થઇ શકશે. અરજદારના રહેણાંકના પુરાવા, ફોટો, આઇડી કાર્ડ, તેમજ બે સાક્ષીઓના નિવેદન પણ જે-તે સ્થળ ઉપર જ સ્કેન કરી આ મોબાઇલ એપ્લીકેશન મારફત ઓન-લાઇન અપલોડ થશે. જે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ઓન-લાઇન મોકલવામાં આવશે. જેથી પોલીસ વેરીફિકેશનની સંપૂર્ણ કામગીરી નાગરિકના ઘરે જ પૂર્ણ થશે. સંપૂર્ણ પ્રક્રિયામાં અંદાજે ૭ દિવસનો સમય લાગશે અને તેઓને પોલીસ સ્ટેશને આવવાની જરૂર રહેશે નહી.

(૨) ગુનેગાર શોધ (Accused search): અત્યાર સુધી ક્ષેત્રીય કામગીરી કરતા પોલીસ દળને શંકાસ્પદ/ગુનેગાર વ્યક્તિ પકડાય તો તે ખરેખર ગુનેગાર છે કે કેમ તેની ઈગુજકોપના ડેટાના આધારે ચકાસણી માટે પોલીસ સ્ટેશન લઈ જવો પડતો હતો તેને બદલે હવે સ્માર્ટ ફોનમાં રહેલ એપ્લીકેશનનો ઉપયોગ કરી ઈગુજકોપની મદદથી  ગુનેગારોની તમામ માહિતી પોલીસના આંગળીના ટેરવે પ્રાપ્ત થશે.

(૩) ખોવાયેલ વ્યક્તિની શોધ (Missing Person search): પોલીસને જ્યારે પણ કોઈ ડેડ બોડી કે કોઈ ખોવાયેલુ બાળક/વ્યક્તિ મળે છે અથવા તે ખોવાયેલ વ્યક્તિ અંગે ફરીયાદ મળે છે ત્યારે સ્થળ ઉપર કોઈ ચકાસણી કરી શકાતી નથી અને પોલીસ સ્ટેશન જઈને ઈગુજકોપ ડેટામાં ચકાસણી કરવી પડે છે. જેમાં વિલંબ થતો હતો, પરંતુ હવે સ્માર્ટ હેન્ડ-હેલ્ડ ડિવાઇસમાં આ એપ્લીકેશન ઉપલબ્ધ થતા જે-તે સ્થળ પરથી જ ઈગુજ્કોપ ડેટાના આધારે ખોવાયેલ વ્યક્તિની/મળી આવેલ ડેડ બોડીની ઓળખ કરી શકાશે.

(૪) વાહન શોધ (Vehicle search): પોલીસને જ્યારે પણ કોઈ વાહન ખોવાયેલુ,રસ્તા પરથી કોઈ બીન વારસી કે ચેકીંગમાં શંકાસ્પદ વાહન મળે,વાહન ચોરી કરનાર ગેંગ પાસેથી વાહન મળે કે હાલમાં ગુનાઓમાં વાહનોનો મહત્તમ ઉપયોગ થાય છે, ત્યારે અધકચરી માહિતીને આધારે વાહનના માલિક સુધી પહોંચી ગુનેગારોને પકડવા વગેરે કિસ્સાઓમાં ઈગુજકોપની મદદથી પોલીસ સ્ટેશન ખાતે જઈને ચકાસણી કરવામાં ઘણો સમય વ્યતીત થાય છે આનો લાભ લઇ ગુનેગારોને ભાગી છુટવા માટે સરળતા રહેતી હતી. પરંતુ હવે સ્માર્ટ મોબાઈલમાં આ એપ્લીકેશન ઉપલબ્ધ થતાં જે-તે સ્થળ પર જ ઈગુજ્કોપના આધારે ડેટા મેળવીને વાહનની ઓળખ કરી શકાશે.