મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડ કેસમાં મુંબઈની એક વિશેષ અદાલતે શનિવારે હીરાના કારોબારી નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બીન જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરી દીધું છે. સ્પેશ્યલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ દ્વારા મુખ્ય આરોપી નીરવ અને તેના સબંધી તથા ગીતાંજલી જેમ્સના માલીક મેહુલ ચોક્સી સામે વોરંટ ઈશ્યૂ કરી દીધું છે.

એક તરફ નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે તે હાઈકોર્ટમાં આ બીન જામીનપાત્ર વોરંટને પડકારશે. વકીલે કહ્યું કે, અમે નીરવ મોદી તરફથી આ આદેશને હાઈકોર્ટમાં પડકારશું. જોકે નિર્ણય વાંચ્યા બાદ નિર્ણય તેનો નિર્ણય લેવાશે. અમને ઈડી દ્વારા દાખલ કરાયેલી અરજીની નકલ પણ અપાઈ નથી.

અન્ય એક ઘટના ક્રમ અંતર્ગત સીબીઆઈએ 6 આરોપીઓને સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટ સામક્ષ હાજર કર્યા હતા. એજન્સીએ ગોકુલનાથ શેટ્ટીના માટે પોલીસ કસ્ટડી અને અન્ય 5 આરોપીઓ માટે ન્યાયિક કસ્ટડીની માગ કરી છે. આ અગાઉ સીબીઆઈએ પીએનબીના ઈન્ટરનલ ચીફ ઓડિટરની ધરપકડ કરી હતી. કહેવાય છે કે ધરપકડ કરાયેલા ઓડિટર એમ કે શર્મા જ પીએનબીની બ્રેડી હાઉ બ્રાન્ચમાં ઓડીટ માટે કથિત રીતે જવાબદાર હતા.

આ અગાઉ સીબીઆઈએ આ કેસમાં પીએનબીના 5 અધિકારીઓની ધરપકડ કરી હતી. જેમાં એક જનરલ મેનેજર રેન્કના અધિકારી અને પીએનબીના પૂર્વ ડે.મેનેજર ગોકુલનાથ શેટ્ટીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય એજન્સીએ નીરવ અને ચોક્સીની કંપનીઓના અધિકારીઓને પણ ઝડપી પાડ્યા હતા.