મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ પોતાને નિર્દોષ ગણાવતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના આક્ષેપને ખોટા ગણાવ્યા છે. ભારતમાંથી ફરાર થયા બાદ પ્રથમ વખત એએનઆઇને આપેલા ઇન્ટર્વ્યુમાં મેહુલ ચોક્સીએ કહ્યું છે કે ‘મારા પર ED દ્વારા લગાવવામાં આવેલા બધા આક્ષેપ ખોટા અને પાયાવિહોણા છે. મારી સંપત્તિઓને ખોટી રીતે જપ્ત કરવામાં આવી છે.

મેહુલ ચોક્સીએ કહ્યું કે તેમણે ભારતીય પાસપોર્ટનું સસ્પેન્શન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય પાસપોર્ટ ઓથોરિટીએ મારા પાસપોર્ટને સસ્પેન્ડ કરી દીધો, જેથી હું ક્યાય અવર-જવર કરી શકતો નથી. 16 ફેબ્રુઆરીએ મને એક ઇમેલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું કે ભારતને મારાથી જોખમ હોવાને કારણે મારો પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 20 ફેબ્રુઆરીએ મેં રિઝનલ પાસપોર્ટ ઓફિસર મુંબઇને એક ઇમેલ કર્યો અને પાસપોર્ટ બહાલ કરવાની અપીલ કરી. પરંતુ તેનો કોઈ વળતો ઉત્તર આવ્યો નથી. મને એ નથી જણાવવામાં આવ્યું કે હું ભારત માટે કેવી રીતે જોખમી છું.

અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીને આરોપી બનાવવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં કૌભાંડ બહાર આવ્યા પહેલા બંને દેશ છોડીને ભાગી ગયા હતા. મેહુલ ચોક્સી હાલ એંટીગામાં છે અને ભારત સરકાર પ્રત્યર્પણના પ્રયાસ કરી રહી છે.