મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) અને રોટોમેક કૌભાંડને કારણે સરકારને ફક્ત સાત દિવસમાં 30 હજાર કરોડનું નુકશાન થયું છે. તેવું પબ્લીક સેક્ટર બેન્કોમાં સરકારી રોકાણની વેલ્યૂ ઘટવાને કારણે થયું છે.

પ્રાઈમ ડેટાબેઝ પ્રમાણે, 13 ફેબ્રુઆરીએ પીએનબી બેન્ક ફ્રોડની જાહેરાત થઈ તે પછી સરકાર, ઈન્સ્યોરન્સ અને મ્યૂચુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝને બેન્કીંગ સેક્ટરમાં 44,000 કરોડ રૂપિયાનું નુકશાન ભોગવવું પડ્યું છે. સાર્વજનિક બેન્કમાં સરકારની સંપત્તિ દસ ટકા નુકશાન બાદ 2.9 લાખ કરોડ રૂપિયાથી ઘટી 2.6 લાખ કરોડ થઈ ગઈ છે. ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રીની 40થી વધુ બેન્કોમાં 5-15 ટકા હિસ્સેદારી છે અને તેની સંપત્તિ 6 ટકા નુકશાન સાથે 1.14 લાખ કરોડ રહી ગઈ છે. મ્યૂચુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીનો બેન્કીંગ પોર્ટફોલિયો 4 ટકા ગબડી પડ્યો છે.

ફક્ત પંજાબ નેશનલ બેન્કમાં સરકારની 57 ટકાથી વધુ હિસ્સેદારી છે અને તેના શેરોમાં ભારે પડાવને કારણે સંપત્તિ 28 ટકા ઓછી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અરબોપતિ જ્વેલર નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી દ્વારા પંજાબ નેશનલ બેન્કમાં 11300 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયા પછી પીએનબીના શેરોમાં ભારે ધોવાણ આવ્યું છે.