મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ અગાઉ એટલે કે, શરૂઆતના ત્રણ વર્ષના શાસનમાં વિદેશ યાત્રાઓ પાછળ ૨૮૦ મિલિયન ડોલર એટલે કે, બે હજાર કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદીએ આ સમય દરમિયાન કુલ ૮૪ વખત વિદેશ યાત્રા કરી વિક્રમ સર્જાયો છે.

સંસદમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના વિદેશ રાજ્ય મંત્રીએ આ માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેટલી વખત વિદેશ યાત્રા કરી તેમાં સૌથી વધારે ખર્ચ એર ઇન્ડિયા-૧ વિમાનની સારસંભાળ અને સુરક્ષિત હોટલાઈન સ્થાપિત કરવામાં થયો છે. આ સિવાય જે ખર્ચ કરવામાં આવ્યો તેમાં અન્ય ખર્ચની વિગતો સુરક્ષાનાં હેતુથી આપી શકાય તેમ નહી હોવાનું જણાવાયું છે.

નરેન્દ્ર મોદીએ મેં-૨૦૧૪માં વડાપ્રધાન બનતા જ જાપાનથી વિદેશ યાત્રાની શરૂઆત કરી હતી. આ પ્રથમ વિદેશ યાત્રામાં જાપાનનાં વડાપ્રધાન અબે શિન્જો સાથે મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદી આ વિદેશ યાત્રાઓ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના અબે શિન્જો તેમજ પાડોશી દેશ ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે અનેકવાર મુલાકાત કરી ચુક્યા છે. જ્યારે વિરોધ પક્ષ દ્વારા શરૂઆતથી જ વડાપ્રધાનની આ વિદેશ યાત્રાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ જુલાઈ ૨૦૧૭ સુધીના ત્રણ વર્ષમાં ૬ મહાદ્રીપ પર ૩૧ વિદેશ યાત્રા કરી હતી. જેમાં મોદીએ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં સંયુકત એસેમ્બલીમાં ભાગ લેવા સાથે તેમણે ૪૯ દેશોનો પ્રવાસ કર્યો છે. શરૂઆતમાં તેમણે પાડોશી દેશોમાં પ્રવાસ કર્યા પછી દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં વિદેશ યાત્રા કરી હતી. નરેન્દ્ર મોદીએ પાંચ વખત અમેરિકાનો પ્રવાસ કર્યો છે. જ્યારે ફ્રાંસ, જર્મની અને રશિયામાં ત્રણ-ત્રણ વખત પ્રવાસ કર્યો છે.

નરેન્દ્ર મોદીએ છેલ્લા ત્રણ વર્ષોમાં કુલ ૩.૪ લાખ કિલોમીટરની યાત્રા કરી છે. ૨૬ મેં ૨૦૧૪થી વિદેશ યાત્રા શરૂ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ના વર્ષમાં કુલ ૯ વખત યાત્રા કરી હતી. નરેન્દ્ર મોદીની સૌથી મોંઘી વિદેશ યાત્રા ૯થી ૧૭ એપ્રિલ, ૨૦૧૫ સુધી ફ્રાંસ, જર્મની અને કેનેડાની રહી હતી. જેમાં રૂપિયા ૩૧.૨ કરોડ ખર્ચ થયો હતો. પીએમ મોદીએ અત્યાર સુધી સૌથી વધારે ૫૫ દિવસ વિદેશમાં વિતાવ્યા છે. આ હવાઈ યાત્રાઓ માટે કુલ રૂપિયા બે હજાર કરોડનો ખર્ચ કર્યો છે.