નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ICSIનાં ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન પ્રસંગે દેશના અર્થતંત્ર પર જણાવ્યુ હતું કે નોટબંધી (8 નવેમ્બર)નો દિવસ ઇતિહાસમાં ભ્રષ્ટાચાર મુક્ત અભિયાનના આરંભનો દિવસ માનવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ મહાભારતના દુર્યોધન અને શલ્યનું ઉદાહરણ આપતા કહ્યું કે કેટલાક લોકો શલ્યની જેમ નકારાત્મકતા ફેલાવી રહ્યાં છે. દેશમાં મુઠ્ઠીભર લોકો ગંદકી ફેલાવી રહ્યાં છે તેના માટે સરકારે પહેલેથી જ સ્વચ્છતા અભિયાન ચલાવી રાખ્યુ છે. અમે પહેલા દિવસથી જ કાળુનાણુ પાછુ લાવવા એસઆઇટી બનાવી છે. હજુ પણ નિયમો કડક કરાશે. બીજા દેશો સાથે સમજૂતી કરાશે. બેનામી સંપત્તીનો કાયદો અમલમાં આવ્યો છે. દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. નોટબંધીના નિર્ણયની હિંમત પણ આ સરકારે દર્શાવી છે.

મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં પણ જીડીપી ઘટી હતી. હાલ જે જીડીપી દર ઘટ્યો છે તેને ઉંચો લાવવા સરકાર પ્રયત્નરત છે. પહેલાની સરકારમાં ભારત ફ્રેજાઇલ 5 ગૃપમાં હતું. આ ગૃપમાં એવા દેશોને સામેલ કરવામાં આવે છે જે દેશનું અર્થતંત્રનો ચિંતાજનક સ્થિતિમાં હોય છે સાથે જ દુનિયાના દેશોના અર્થતંત્ર માટે પણ ખતરનાક હોય. તે સમયે મોટા મોટા અર્થશાસ્ત્રીઓ હતાં છતાં કેમ દેશ આવી સ્થિતિમાં આવી ગયો.

આ સાથે જ નરેન્દ્ર મોદીએ તેમના શાસનનાં ત્રણ વર્ષ દરમિયાન રેલવે, રોડ, વીમા સહિતના ક્ષેત્રોમાં થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.