મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને એક કપરી સ્થિતિમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. જાપાનની કંપની જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (જીકા)એ આ પ્રોજેક્ટનું ફન્ડિંગ અટકાવી દિધું છે. કંપનીએ આ ફન્ડિંગ અટકાવતા મોદી સરકારને કહ્યું છે કે, પ્રોજેક્ટને આગળ વધતા પહેલા આપે દેશના ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ખેડૂતોએ જમીન સંપાદન મામલે કોર્ટનો સહારો લીધો છે.

ઉલ્લેખનીય છે કે વાજતે ગાજતે જ્યારે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી ત્યારથી જ વડાપ્રધાને પોતે આ પ્રોજેક્ટમાં રસ લીધો હતો અને પ્રોજેક્ટની કામગીરી આગળ વધારવા ગુજરાત સરકારે પણ તેમનો સાથ આપ્યો હતો. પ્રોજેક્ટની લોકો પણ રાહ જોઈ રહ્યા છે ત્યારે ખેડૂતોની જમીનોના સંપાદનથી લઈ બીજી ઘણી સમસ્યાઓ આ પ્રોજેક્ટને નડી હતી.

ખેડૂતોની જમીનોના ભાવો અને તેના ભાગ સાથેની સમસ્યાઓ ઉપરાંતની વધુ આ એક મોટી સમસ્યા સરકાર સામે આવીને ઊભી રહી ગઈ છે. આ પ્રોજેક્ટ અંદાજીત 1 લાખ કરોડ રુપિયાના જંગી ખર્ચે તૈયાર થનાર છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા ખેડૂતોની જમીનોના સંપાદનનો મામલો મોટો વિવાદ છે. આ વિવાદને પગલે કેન્દ્ર સરકાર દ્વારા એક કમિટિની પણ રચના કરવામાં આવી હતી.

જાપાની કંપની જીકાએ ફંડ રોકતાં કહ્યું કે મોદી સરકારે પહેલા ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવું જોઈએ. આ જીકા કંપની એ જાપાની સરકારની એજન્સી છે અને જાપાન સરકાર માટે તે આંતરરાષ્ટ્રીય સ્તરે સામાજિક-આર્થિક નીતિઓનું નિર્ધારણ કરે છે. ભારતમાં બુલેટ ટ્રેનની જવાબદારી નેશનલ હાઈ સ્પિટ રેલ કોર્પોરેશન લી. (એનએચઆરસીએલ) દ્વારા સ્વીકારવામાં આવી છે.