મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: આગામી તારીખ 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. ત્યારે આ તકે રાજકોટમાં મહાપાલિકા દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું તેમના હસ્તે લોકાર્પણ કરાશે. વડાપ્રધાન સાંજના 5 વાગ્યા આસપાસ એરપોર્ટ પર ઉતરાણ કરશે. મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યા બાદ તેઓ ચૌધરી હાઈસ્કૂલ ખાતે વિશાળ જનમેદનીનું સંબોધન પણ કરશે.

રાજકોટની શાળામાં મહાત્મા ગાંધીએ 7 વર્ષ અભ્યાસ કર્યો હતો. સમયાંતરે આ સ્કૂલનું નામ કાઠિયાવાડ હાઈસ્કૂલ અને બાદમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું હતું. ત્યારે આ હાઈસ્કૂલ સાથે રાષ્ટ્રપિતા ગાંધીજીની અનેક યાદો જોડાયેલ છે. મહાનગરપાલિકાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી રાજકોટમાં જ્યા મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધી અનુભૂતી કેન્દ્ર બનાવ્યું છે. જેમાં ગાંધીજીની જીવન ઝરમર રજૂ કરવામાં આવી છે. આ કેન્દ્રમાં મહાત્મા ગાંધીના જીવન પર આધારિત અલગ અલગ પ્રસંગો પણ અનોખી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2019ની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે વડાપ્રધાનની રાજકોટ મુલાકાત રાજકીય રીતે પણ ખૂબ મહત્વની બની રહેશે. કારણ કે, ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનો દેખાવ પાંગળો રહ્યો હતો. અને કોંગ્રેસને સૌથી વધુ સીટ સૌરાષ્ટ્રમાં જ મળી હતી. જો કે મોદીએ આ ચૂંટણી સમયે રાજકોટમાં જનમેદની સંબોધી હતી. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી જંગી બહુમતીથી ચૂંટાયા હતા. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાનની આ મુલાકાતને રાજકીય પંડિતો સૂચક માની રહ્યા છે.