મેરાન્યૂઝ નેટવર્ક.ગોરખપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા બાદ રવિવારે ઉત્તરપ્રદેશની એક દિવસની મુલાકાતે આવ્યા છે. તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભના મેળામાં ડૂબકી લગાવી હતી અને માઁ ગંગાની પુજા અર્ચના કરી હતી. તે દરમિયાન નરેન્દ્ર મોદીએ સફાઈ કામદારોના પગ પણ ધોયા હતા અને બાદમાં તેમનો આભાર પણ માન્યો હતો.

તેમણે આજે ગોરખપુર ખાતે વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ખેડૂતોની રાહત રકમ હું પરત ન લઈ શકું, અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપજો તેમ કહી નરેન્દ્ર મોદીએ આડકત્રી રીતે વોટ પણ માગ્યા હતા. ગોરખપુરમાં રૂ. 10000 કરોડની યોજનાઓના લોકાર્પણ તેમજ શિલાન્યાસ પણ તેમણે કર્યા હતા.

તેમણે આ પ્રસંગે કહ્યું કે, ખેડૂતો માટે પહેલાંની સરકારે વાતો ઘણી કરી, કાગળો પર યોજનાઓ પણ બનાવી પરંતુ તેમની યોજના ખેડૂતોને સશક્ત કરવા માટે નહીં પરંતુ તેમને નાની નાની વસ્તુઓ માટે આજીજી કરાવવાની હતી. તેમની યોજના ક્યારેય ખેડૂતોની ભલાઈ માટે ન હતી. આ સ્થિતિને બદલવા માટે તમે 2014માં એનડીએની સરકાર બનાવવાનો મોકો આપ્યો. અમે ખેડૂતોની નાની નાની મુશ્કેલીઓ પર ધ્યાન આપવા સહિત તેમના પડકારોના સંપૂર્ણ નિવારણ માટે પણ કામ કર્યું. ખેડૂત સશક્ત બને આ લક્ષ્ય સાથે જ અમે નીકળ્યાં છીએ.

આઝાદી પછી ખેડૂતો સાથે જોડાયેલી સૌથી મોટી યોજના આજે ઉત્તરપ્રદેશની ધરતીથી મારા દેશના કરોડો લોકોના આશીર્વાદથી આરંભ થઈ રહી છે. ગોરખપુરના લોકોને બેવડી શુભેચ્છા આપુ છું, કેમકે વડાપ્રધાન કિસાન સન્માન યોજનાના તેઓ સાક્ષી બની રહ્યાં છે. ગોરખપુર અને પૂર્વાંચલના વિકાસ સાથે જોડાયેલાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું. સ્વાસ્થ્ય, માર્ગ, રેલ, રોજગાર, ગેસ જેવાં ક્ષેત્રે જોડાયેલાં આ તમામ પ્રોજેક્ટ આ ક્ષેત્રના લોકોના જીવન આસાન બનાવશે. તે માટે ગોરખપુર સહિત પૂર્વાંચલનો હું આભાર માનુ છું.

તેમણે ઉમેર્યું કે, હું રાજ્યોને ચેતવણી આપુ છું કે જો તમે ખેડૂતોની યાદી સરકારને ન પહોંચાડી તો ખેડૂતોની બદદુઆઓ તમારી રાજનીતિને બરબાદ કરી દેશે. તમે વિરોધી હોય શકો છો પરંતુ ખેડૂતની માંગોની સાથે રમત કેમ રમો છો. હું ખેડૂતોને કહેવા માંગુ છું કે યોજનાને લઈને કોઈની વાતમાં ન આવતા. જ્યારે વિરોધીઓએ અમારી આ યોજના અંગે સંસદમાં સાંભળ્યું તો બધાંના મોઢા લટકી ગયા હતા, બધાં ઉદાસ થઈ ગયા હતા. તેઓને થયું કે ખેડૂત મોદીની સાથે થઈ ગયા છે. તેથી ખોટું બોલવું અને અફવાઓ ફેલાવવી તેમનું જન્મજાત કામ છે.

તેમણે વધુ ઉમેરતાં કહ્યું કે, હાલ તે લોકોએ એક અફવા વધ શરુ કરી છે, તે એમ કે મોદીએ હાલ 2000 રૂપિયા આપ્યા છે, પછી પણ આપશે પરંતુ એક વર્ષ પછી પરત લઈ લેશે. ખેડૂત ભાઈઓ આ તમારો પૈસો છે તેને કોઈ જ પરત ન લઈ શકે. તેથી આવી અફવાઓ ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપજો. કોંગ્રેસ, સપા, બસપા તમામ મહામિલાવટી લોકોને ખેડૂત 10 વર્ષમાં એક વખત, ચૂંટણી સમયે જ યાદ આવે છે. પછી તેઓને દેવાં માફીનો તાવ ચડે છે. તેનાથી તેઓ ચાલાકીથી વોટ લઈ લે છે. પરંતુ હવે તેઓને નથી ખ્યાલ કે સામે મોદી છે. તેઓ સારા જૂઠાંણા સામે લાવશે. અમે માત્ર ચૂંટણી વાયદો પૂરો કરવા માટે આ યોજના નથી શરૂ કરી. અમે લાલ કિલ્લા પર આ અંગેની જાહેરાત કરી અને બજેટમાં તેના માટે પૈસા નિર્ધારિત કર્યાં છે.