મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ આતંકવાદીઓએ પુલવામામાં કરેલા હુમલામાં 47 જવાનો શહીદ થઈ ગયા છે. વડાપ્રધાને વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનના ઉદ્ઘાટન દરમિયાન આ અંગે વડાપ્રધાને આતંકી હુમલા અને પાકિસ્તાન પર શાબ્દીક પ્રકાર કરતાં કહ્યું કે, આ હુમલાની કિંમત આતંકવાદીઓએ ચુકવવી જ પડશે.

વડાપ્રધાને કહ્યું કે, થયેલા આતંકી હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યુ છે એ હું સમજી શકું છું. આ દેશની અપેક્ષા કંઈક કરી છૂટવાની છે. આ ભાવ સ્વાભાવિક છે. સુરક્ષા દળોને છૂટો દૌર આપી દેવામાં આવ્યો છે. અમને આપણના સૈનિકોના શૌર્ય, બહાદૂરી પર પૂર્ણ વિશ્વાસ છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી આપણી એજન્સીઓ પાસે પહોંચાશે જેનાથી આતંકવાદીને કચડી નાખવા માટે અમારી લડાઈ વધુ તેજ થઈ શકે.

તેમણે ઉમેર્યું કે, હું આતંકી સંગઠનો અને તેમના વડાઓને કહેવા  માગું છું કે તેઓ મોટી ભૂલ કરી ચુક્યા છે. આ માટે તમારે મોટી કિંમત  ચુકવવી પડશે.  હું દેશને ભરોશો અપાવું છું કે હુમલા પાછળ જે પણ તાકાત છે, જે પણ ગુનેગાર છે તેમને તેના કર્યાની સજા ચોક્કસ મળશે. જે અમારી ટીકા કરી રહ્યા છે તેમની ભાવનાઓનો પણ હું આદર કરું છું. ટીકા કરવાનો તેમનો પૂરો અધિકાર છે. મારો તમામ સાથીઓને અનુરોધ છે કે આ સમય ખૂબ જ સંવેદનશીલ અને ભાવુક છે. આ હુમલાનો દેશ એક થઈને મુકાબલો કરી રહ્યો છે. દેશનો એક જ સ્વર છે. આ અવાજ આખા વિશ્વમાં સંભળાવવો જોઈએ કારણ કે આ લડાઈ અમે જીતવા માટે લડી રહ્યા છીએ.

તેમણે પાકિસ્તાનને જવાબ આપતાં કહ્યું કે, આખા વિશ્વમાં અલગ થઈ ગયેલું આપણું પાડોશી રાષ્ટ્ર જો એવું સમજે છે કે તે પ્રકારનું કૃત્ય તે કરી રહ્યું છે, જે પ્રકારનું કાવતરું રચી રહ્યુ છે તેનાથી ભારતમાં અસ્થિરતા પેદા થશે તો તે આવું સપનું જોવાનું બંધ કરે. આવું ક્યારેય નહીં થાય. પાડોશી દેશને એવું લાગે છે કે તે ભારતને બરબાદ કરી શકે છે, તેમના આવા ઈરાદ ક્યારેય બર નહીં આવે. આવા દરેક હુમલાનો ઝડબાતોડ જવાબ આપવામાં આવશે. અનેક મોટા દેશોએ ખૂબ જ કડક શબ્દોમાં આ આતંકી હુમલાની નિંદા કરી છે. તેમણે ભારત સાથે ઉભા રહેવાની ભાવના વ્યક્ત કરી છે. આ તમામ દેશનો હું આભાર માનું છું. આતંકવાદ સામે તમામ માનવતાવાદી શક્તિઓએ એક થઈને લડવું જ પડશે. તમામ દેશ એક મત એક સ્વરથી ચાલશે ત્યારે આતંકવાદ અમુક પળથી વધારે નહીં ટકી શકે.

હુમલા અંગે દુઃખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, પુલવામા હુમલા બાદ અત્યારે માહોલ દુઃખથી ભરેલો છે. આ દેશ રોકાશે નહીં. અમારા વીર શહીદોએ પોતાના પ્રાણની આહૂતિ આપી છે. દેશ માટે મરનાર દરેક શહીદ બે સપના માટે જિંદગી દાવ પર લગાવે છે. પ્રથમ દેશની સુરક્ષા અને બીજું દેશની સમૃદ્ધિ. હું દરેક વીર શહીદોના આશીર્વાદ લઈને વિશ્વાસ આપાવું છું કે જે સપનાઓ સાથે તમેણે આહૂતિ આપી છે તેને પૂરા કરવા માટે અમે અમારી જીવની દરેક ક્ષણ ખપાવી દઈશું.

 

A grateful nation bows to the martyrs of Pulwama.

A befitting reply will be given to the perpetrators of the heinous attack and their patrons.

No force will succeed in disturbing peace, progress and stability of India. pic.twitter.com/hFq0pUByVJ

— Narendra Modi (@narendramodi) February 15, 2019