મેરાન્યૂઝ નેટવર્ક, લંડન: લંડનમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ સ્ટ્રેટેજીક સ્ટડીઝ (IISS) ના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એક વખત વાક-પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એક તરફ સરહદ પર સર્જીટકલ સ્ટ્રાઇકને સમર્થન આપ્યુ છે તો બીજી તરફ ડોકલામને વિવાદને લઇને સરકાર પર નિશાન તાક્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી ડોકલામને એક ઇવેન્ટની જેમ જોઈ રહ્યા છે. ડોકલામમાં હજુ પણ સૈનિકો જમા થઇ રહ્યા છે અને જો જો પ્રક્રિયા પર નજર રાખવામાં આવી હોત તો ડોકલામ વિવાદ ટાળી શકાયો હોત.

રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રની સત્તાનું વિકેન્દ્રિકરણ થયુ છે જ્યારે વિકેન્દ્રિકરણના કારણે જ સફળતા મળી છે. 1.3 અબજ લોકો વચ્ચે ભેદભાવ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પીએમઓની વિદેશ મંત્રાલય પર પણ મોનોપોલી છે. વિદેશ મંત્રી પાસે કોઈ કામ નથી તેથી તેઓ લોકોને વિઝા આપવામાં વ્યસ્ત છે. વિદેશ મંત્રાલય પાસે તેનાથી વધુ મહત્વપૂર્ણ કામ નથી.

કાર્યક્રમમાં રાહુલ ગાંધીને જ્યારે ડોકલામને લઇને સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, મારી પાસે આ વિશે સમગ્ર જાણકારી એટલા માટે નથી તેથી હું કશું ન કહી શકુ પરંતુ એટલું જરૂર કહેવા માગુ છું કે ડોકલામ કોઈ સરહદ વિવાદ નથી. આ એક રાજકીય મામલો છે. મોદી સરકાર દરેક ચીજને એક ઇવેન્ટની જેમ જુએ છે. હું ડોકલામને એક પ્રક્રિયાની જેમ જોઉ છું.

આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ભારતમાં આતંકવાદ માટે પાકિસ્તાનને જવાબદાર કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત કરવી મુશ્કેલ છે કારણ કે ત્યાથી કોઈપણ સંસ્થા પાસે જરૂરી અધિકાર નથી. તેથી આપણે ત્યા સુધી રાહ જોવી પડશે જ્યા સુધી કોઈ એકજૂથ માળખુ ન બને.    

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સરખામણી અરબ દેશોના મુસ્લિમ બ્રધરહુડ સાથે કરતા કહ્યું કે ભારતમાં એવું પ્રથમ વખત થઇ રહ્યું છે કે સંસ્થાઓ પર કબજો જમાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આરએસએસ ભારતની પ્રકૃતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે.

રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે રાહુલ ગાંધીની અંદર માત્ર સંઘ, ભાજપ અને વડાપ્રધાન મોદી માટે ધ્રુણા છે. આતંકવાદી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ સાથે આરએસએસની સરખામણી કરવા પર રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ.