મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે ઉપવાસનું રાજકારણ શરુ થયુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજઘાટ પર ઉપવાસ કર્યા બાદ હવે ભાજપના સંસદ સભ્યો 12 એપ્રિલના રોજ આખા દિવસ માટે ઉપવાસ રાખશે. ખાસ વાત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપવાસ કરશે. ભાજપ દ્વારા આ ઉપવાસ વિરોધ પક્ષ દ્વારા સંસદ નહીં ચાલવા દેવા અને રાહુલ ગાંધીએ દલિતોને થઇ રહેલા કથિત અન્યાયના વિરૂદ્ધ કરેલા ઉપવાસની વિરૂદ્ધમાં કરવામાં આવી રહ્યાં છે.  માહિતી અનુસાર વડાપ્રધાન મોદી પોતાના કાર્યાલયમાં ઉપવાસ રાખશે.

ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવે જણાવ્યુ છે કે કોંગેસ અને અન્ય વિરોધી પક્ષના અલોકતાંત્રિક વલણ વિરૂદ્ધ દિવસભર બધા સંસદસભ્યો ઉપવાસ કરશે. સંસદમાં બજેટ સત્ર નહીં ચાલવા દેવાને લઇને વિરોધ પક્ષ વિરૂદ્ધ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 12 એપ્રિલે કર્ણાટકના હુબલીમાં ધરણા કરશે. સંસદમાં કામકાજ નહીં ચાલવાને કારણે બધા સંસદસભ્યો તે સમયગાળાનું પોતાનું વેતન પણ નહીં લે.