મેરાન્યૂઝ નેટવર્ક, પેઇચિંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી અઠવાડિયે ચીનમાં મુલાકાત કરશે. પેઇચિંગમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે વુહાનમાં  આગામી 27-28 એપ્રિલના રોજ અનૌપચારિક શિખર બેઠક યોજાશે. ગત વર્ષે ડોકલમમાં બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ સરહદ વિવાદ બાદ બંને દેશોના નેતાઓની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ગઇકાલ શનિવારે જ યુરોપ યાત્રા પરથી ભારત પરત ફર્યા બાદ હવે ચીનનાં પ્રવાસે જઇ રહ્યા છે.

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ ચોથી ચીન યાત્રા હશે. આ સિવાય તેઓ આગામી જૂન મહિનામાં પણ ચીનનાં પ્રવાસે જશે. વડાપ્રધાન મોદી ચીનનાં કિંગદાઓ શહેરમાં 9 અને 10 જૂનના રોજ યોજાનારા શાંઘાઇ સહયોગ સંગઠનની શિખર બેઠકમાં પણ ભાગ લશે. આ દરમિયાન પણ તેઓ ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી શકે છે.