મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર ધ્વારા લોકો પાસે ભાજપને પૈસા દાન કરવા ગઇકાલે અપીલ કરી છે. જેના પર સોશિયલ મીડિયામાં કેટલાક લોકો 15 લાખ રૂપિયા યાદ અપાવી કોમેન્ટ્સ કરી રહ્યા છે. પીએમની ટ્વિટ ધ્વારા આ અપીલ સામે લોકોએ રૂપિયા ૧૫ લાખ આપવાની મોદીને ચુંટણીલક્ષી જાહેરાતને યાદ કરી તેમાંથી ડોનેશન કાપી લેવા, લોન પાસ કરાવી ૧૦ ટકા કમીશન કાપી લેવા સાથે પીએમ મોદીએ આપેલા રૂપિયા ૧૦૦૦ના દાનની પણ ખુબ મજાક ઉડાવવામાં આવી રહી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ટ્વિટરના માધ્યમથી ભાજપને પૈસા દાન કરવા આપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટના માધ્યમથી નરેન્દ્ર મોદી મોબાઈલ એપ વિષે પણ જણાવ્યું છે. તેમણે લખ્યું છે કે, તમે નરેન્દ્ર મોદી મોબાઈલ એપથી રૂપિયા ૫થી લઇ ૧૦૦૦ રૂપિયા સુધી પાર્ટીને દાન કરી શકો છો. તમારૂં સમર્થન અને યોગદાન અમારા કાર્યકર્તાઓને દેશની સેવા કરવાની શક્તિ આપશે. આ ટ્વિટની સાથે પીએમ મોદીએ લિંક પણ શેર કરી છે જેની વિઝીટ કરી પક્ષને પૈસાનું દાન કરી શકાય છે. એટલું જ નહિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ એપ ધ્વારા ૧૦૦૦ રૂપિયાનું દાન કર્યું છે. બીજા ટવીટમાં તેમણે આ ડોનેશન સ્લીપનો ફોટો શેર કરી લખ્યું કે, આ એપ મારફતે ભાજપને દાન આપ્યું. હું તમને બધાને આગ્રહ કરું છું કે આ એપ ધ્વારા દાન કરો અને સાર્વજનિક જીવનમાં પારદર્શકતા લાવવાનો સંદેશ આપો.

વડાપ્રધાનની આ ટ્વિટ પર કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં વિવિધ કોમેન્ટ કરી છે. પીએમની આ ટ્વિટ સાથે જ લોકોને ૧૫ લાખ આપવાની વાત યાદ આવી ગઈ છે. આ દાન આપવાની અપીલની મજાક ઉડાડતા ઘણા બધાએ જવાબ આપ્યો કે, જયારે તેમના બેંક ખાતામાં રૂપિયા ૧૫ લાખ જમા કરાવવામાં આવે ત્યારે દાનની રકમ કાપી લેવામાં આવે..! ફેસબુક અને ટવીટ જેવી સોશિયલ મીડિયામાં જાણે મજાક-મસ્તી કરતી કોમેન્ટસનું પુર આવી ગયું છે. જેમાં ૧૫ લાખ આપવાની વાત સાથે લોકોએ મોદીએ ૧૦૦૦ રૂપિયાના આપેલા દાનની પણ લોકોએ ખુબ મજાક ઉડાવી આનંદ મેળવ્યો છે. આ ઉપરાંત લોન મંજુર કરાવી ૧૦ ટકા કમીશન કાપી લેવાનું કહીને પણ મજાક ઉડાવવામાં આવી છે.