નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવિશ્વાસની દરખાસ્તનો જવાબ આપતું વક્તવ્ય ગત શુક્રવારે લોકસભામાં આપ્યું હતું. આ વક્તવ્યમાં પ્રધાનમંત્રી સવાલોના જવાબ આપશે તેવી ગણતરી સાથે ધ ક્વિન્ટે સવાલોની યાદી તૈયાર કરી હતી. આ સવાલોના તેમણે આ રીતે જવાબ આપ્યા. 

20 જુલાઈએ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એન.ડી.એ. સરકાર સામેની અવિશ્વાસની દરખાસ્ત પહેલા થયેલી ચર્ચામાં પ્રધાનમંત્રીને વિપક્ષના સભ્યોએ તેમની સામે ઊઠાવેલા સવાલોના જવાબ આપવાની તક મળી હતી. ધ ક્વિન્ટે પણ આ અવસરે સવાલોની યાદી તૈયાર કરી હતી. આ સવાલોના જવાબ તેમણે કઈ રીતે આપ્યા તે વાંચો. 

1. ટોળાં દ્વારા કરવામાં આવતી હત્યાને તમારી સરકાર રાજકીય પીઠબળ પૂરું પાડી રહી છે?  તમારો પક્ષ અને તમારી સરકાર ટોળાં દ્વારા કરવામાં આવતી હત્યાને અને આ હત્યામાં હુમલો કરનારાઓના શા માટે રાજકીય પીઠબળ પૂરું પાડી રહ્યા છે?

(કોઈ જવાબ ન મળ્યો)

2. ના એટલે ના જ, હા તે તમારી પત્ની હોય તો જુદી વાત છે?

લગ્ન કરી ચૂકેલા દંપતીઓમાં પણ થતાં બળાત્કારને તમે શા માટે ભારતીય સમાજના રીત રિવાજના અને મૂલ્યના આંતરિક હિસ્સા જ છે તેવું તમારી સરકાર શા માટે માને છે?

(કોઈ જવાબ ન આપ્યો)

3. ક્યા આધારે? ઓળખના પુરાવાઓ અને અન્ય દસ્તાવેજો આપવાને પરિણામે કે.વાય.સી (તમારા ગ્રાહકનો ઓળખો)નો ઉદ્દેશ સર થઈ જતો હોવા છતાંય બેન્ક એકાઉન્ટ અને મોબાઈલ ફોનની સેવા લેવા માટે આપની સરકાર આધાર કાર્ડ આપવાનું શા માટે ફરજિયાત બનાવી રહી છે?

(કોઈ જવાબ ન આપ્યો)

4. ખોટી માહિતીઃ જાણીબૂઝીને કરેલી ભૂલ કે પછી પક્ષને અનુકૂળ આવે તે માટે સગવડપૂર્વક કરેલી ભૂલ છે?

ચૂંટણી પ્રચાર દરમિયાન જવાહરલાલ નેહરુ અંગે તમે હકીકતની દ્રષ્ટિએ કરેલા ધરાર ખોટા નિવેદનો શું આપ પાછા ખેંચી લેશો ખરા?

(કોઈ જવાબ ન આપ્યો)

5. ચૂંટણી ફંડઃ દાળમાં કંઈક કાળું છે કે દાળ જ કાળી છે?

રાજકીય પક્ષોને દેશમાંથી કે પરદેશમાંથી આપવામાં આવતા દાન આપનારાઓના નામ શા માટે ગુપ્ત રાખવામાં આવી રહ્યા છે? શા માટે તેને સ્ક્રૂટિની-ચકાસણીથી પર રાખવામાં આવી રહ્યા છે? આ સ્થિતિમાં તમારી સરકારે આપેલા પારદર્શકતાના વચનનું શું થશે?

(કોઈ જવાબ ન આપ્યો)

6. ભાગેડું મોદી

બેન્કોના કામકાજ પર નજર રાખતી એજન્સીને કોરાણે મૂક્યા વિના જ ડાયમંડ મર્ચન્ટ-હીરાના વેપારીઓ નિરવ મોદી અને મેહૂલ ચોકસી પંજાબ નેશનલ બેન્ક સાથે રૂા. 10,000 કરોડનો ફ્રોડ કઈ રીતે કરી શક્યા?

(કોઈ જવાબ ન આપ્યો)

7. પ્રધાન મંત્રી કેમ ફોલો કરે છે? અત્યંત ખરાબ રીતે કોઈને ઉતારી પાડનારાઓના જૂથ સાથેના સંબંધો.

ટ્વિટર પર બેફામ કોમવાદી ધમકીઓ આપતા અને સમાજના ચોક્કસ વર્ગને ખરાબ રીતે ઉતારી પાડીને અપમાનીત કરતાં ફરતાં જૂથ-ગ્રુપને તમે શા માટે ટ્વિટર પર સતત ફોલો કરી રહ્યા છો?

(કોઈ જવાબ ન આપ્યો)

8. ડિમોનેટાઈઝેશન-નોટબંધી અંગે અજ્ઞાનતા

નોટબંધી-ડિમોનેટાઈઝેશનની જાહેરાત પછી બેન્કોમાં જમા કરવામાં આવેલી રૃા. 500 અને રૂા. 1000ની રદ કરેલી ચલણી નોટ્સની ગણતરી રિઝર્વ બેન્ક કયારે પૂરી કરશે. તમે નોટબંધીની જાહેરાત કરી તેના 20 મહિના વીતી ગયા છે. ભારતમાં ચલણમાં ફરતી રૂા. 500 અને રૂા. 1000ની કુલ ચલણી નોટ્સમાંથી 99 ટકા ચલણી નોટ્સ પાછી બેન્કમાં આવી ગઈ છે. આ સ્થિતિમાં નોટબંધી સફળ રહી છે એવું તમે કઈ રીતે કહી શકો છો?

(કોઈ જવાબ ન આપ્યો)

9. રાષ્ટ્રીયકૃત બેન્કોની ફસાયેલી મૂડી

રાષ્ટ્રીયકૃત બેન્કોની ફસાયેલી મૂડી-નોન પરફોર્મિંગ એસેટને અંકુશમાં રાખવામાં તમારી સરકાર કેમ સફળ નથી થતી?

જવાબઃ (કોંગ્રેસને સંબોધન કરતાં) રાષ્ટ્રીય કૃત બેન્કોની નોન પરફોર્મિંગ એસેટ એ સંપૂર્ણપણે તમારું પાપ છે. અગાઉની યુપીએ સરકારની નીતિઓ આ અરાજકતા માટે 100 ટકા જવાબદાર છે. 

10. રોજગારી આપવાનું વચન

એક વર્ષમાં રોજગારીને બે કરોડ નવી તકનું નિર્માણ કરવાનું વચન ચૂંટણી ટાણે તમે વચન આપ્યું હતું. તમે આપેલા આ વચનને પાળી શક્યા નથી.

જવાબઃ છેલ્લા નવ માસમાં પચાસ લાખ લોકો ફોર્મલ સેકટરમાં જોડાયા છે. ગ્રેજ્યુએટ થઈને નવા બહાર આવનારા યુવાનોની સંખ્યા અને નવા વાહનોની થઈ રહેલી ખરીદી પણ દર્શાવ છે કે રોજગારીની નવી તક નિર્માણ કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી ત્યારે તેઓ વિરોધ પક્ષના નેતાઓ, પત્રકારો અને દેશના નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા આ તમામ સવાલોના જવાબ આપી શક્યા હોત. આ સવાલોના જવાબ આપવાને બદલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તમામ સવાલોના જવાબો  આપવાનું ટાળી દીધું હતું અને અનેક વિવાદાસ્પદ બાબતો અંગે જવાબ આપવાથી દૂર જ રહેવાનું પસંદ કર્યું હતું. ભારતમાં જે ખરાબ થયું છે તે તમામ માટે અગાઉની સરકારો જ જવાબદાર છે તેવી એક જ વાતને તેઓ (પ્રધાનમંત્રી) વળગી રહ્યા હતા.