મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદુર શાસ્ત્રી એવા મુખ્ય કોંગ્રેસી નેતાઓમાં છે જેમને તમામ પક્ષો દ્વારા એકસરખું સન્માન આપવામાં આવે છે. તેમને કોંગ્રેસના કાર્યકરો જેટલું સન્માન આપે છે તેટલું જ સન્માન ડાબેરી સંગઠનો પણ સન્માન આપે છે. ૧૯૬૫ના વર્ષમાં જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાયે લાલબહાદુર શાસ્ત્રીના નેતૃત્વની ક્ષમતાથી પ્રભાવિત થઈને લાલબહાદુર શાસ્ત્રીને જનનાયકની ઉપાધી આપી સન્માન્યા હતા. ત્યારે આગ્રા આવેલા લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર સુનીલ શાસ્ત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના પિતા જેવા ગણાવી કોંગ્રેસી લોકોમાં પરેશાની ઉભી કરી છે.

સુનીલ શાસ્ત્રીએ જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદી તેમના પિતાની જેમ કામ કરે છે. સૌના સાથ સૌના વિકાસ ધ્વારા મોદી દેશના વિકાસમાં લાગ્યા છે. દુનિયામાં ભારતને સન્માન આપી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નહિ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું છે કે, ભાજપ ૨૦૧૯ની ચૂટણીમાં વિક્રમજનક બેઠકો જીતીને સરકાર બનાવશે. સુનીલ શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું છે કે, જ્યારે તાસ્કંદમાં પિતાજીનું નિધન થયું ત્યારે તેઓ ત્રણ ભાઈઓ માટે માત્ર એક રૂમ અને કોટ છોડી ગયા હતા. તેઓ ભારતના નિર્માણમાં હંમેશા લાગેલા રહ્યા. પરંતુ ક્યારેય પોતાના માટે અંગત લાભ ઉઠાવ્યો નથી. સુનીલ શાસ્ત્રીએ ઉમેર્યું કે, લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર હોવાનો તેમને ગર્વ છે.

જ્યારે બીજી તરફ ભારતીય મુસ્લિમ વિકાસ પરિષદના ચેરમેન સમી અધઈએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લાલબહાદુર શાસ્ત્રી સાથે સરખામણી કરવી તે બાબત લાલબહાદુર શાસ્ત્રી જેવા મહાન માનવનું અપમાન છે. શાસ્ત્રીજી એક સામાન્ય માનવીની જેમ ધોતી-કુર્તા પહેરીને વિદેશ જતા હતા. ત્યાં મોદી એક જ દિવસમાં ચાર-ચાર વખત કપડા બદલે છે. તેમણે કહ્યું કે, સુનીલ શાસ્ત્રીએ પોતાના પિતાની સરખામણી મોદીથી કરતા હું હેરાન છું.