મેરાન્યૂઝ નેટવર્ક, હૈદરાબાદ: ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિત શાહે આજે રવિવારે હૈદરાબાદ ખાતે આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યુ છે. હૈદરાબાદમાં યુવા મહાઅધિવેશન વિજય લક્ષ્ય 2019ને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે એક વખત ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બનાવી દો તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઘુસણખોરી કરનારાઓને વીણી-વીણીને બહાર કાઢીશું.

અસમમાં નેશનલ સિટિઝન રજીસ્ટર વિશે બોલતા અમિત શાહે કહ્યું કે ભાજપ NRC લઇને આવ્યુ અને 40 લાખ લોકોને ઘુસણખોરોના રૂપે ઓળખવામાં આવ્યા. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે અને અમે તેના પર સમજૂતી નહીં કરીએ. હૈદરાબાદ એ સ્થળ છે જ્યાંથી સરદાર પટેલે સિંહનાદ કર્યો હતો અને નિઝામને ભાગવુ પડ્યું હતું.

અમિત શાહે કોંગ્રેસ પર વાકપ્રહાર કરતા કહ્યું કે રાહુલ બાબા અમે સાડા ચાર વર્ષનો હિસાબ તમને નથી આપવા માગતા કારણ કે તમને હિસાબ માગવાનો અધિકાર નથી. કોંગ્રેસે ચાર પેઢી સુધી શાસન કરીને પણ ગરીબો માટે કશુ નથી કર્યું. કોંગ્રેસની હાલત અત્યારે દૂરબીન લઇને શોધવી પડે તેવી થઇ ગઇ છે. 2019માં પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવા તૈયાર છે. વડાપ્રધાન મોદી મેક ઇન ઇન્ડિયા બનાવી રહ્યા છે ત્યારે મહાગઠબંધન બ્રેકિંગ ઇન્ડિયામાં વ્યસ્ત છે. મહાગઠબંધનનો કોઈ નેતા, નીતિ કે આદર્શ નથી.