મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રમાં યોજયેલા એક સમારોહમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અંટોનિયા ગુટેરેસેના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય દર્શનમાં પ્રકૃતિના મહત્વનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ માટે ભારત કટિબદ્ધ છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, આ કાર્યક્રમનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું તે ગૌરવની વાત છે. આ પુરસ્કારને ભારતની સવાસો કરોડ જનતાનું સન્માન જણાવતા તેમણે કહ્યું કે, આ સન્માન પર્યાવરણ અંગે ભારતની જનતાની પ્રતિબદ્ધતાનું સન્માન છે. ભારતની નવી અને જૂની સંસ્કૃતિનું સન્માન છે જેમાં પ્રકૃતિમાં પરમાત્માને જોયા છે. અહી જંગલોમાં રહેતા એ આદિવાસી ભાઈઓનું સન્માન છે જે જીવનથી વધારે જંગલને પ્રેમ કરે છે. આ તે માછીમારોનું સન્માન છે જે દરિયાનો ઉપયોગ જીવન નિર્વાહ પુરતો જ કરે છે. તે લોકો સ્કૂલ-કોલેજ ગયા નહિ હોય પરંતુ માછલીયોના પ્રજનન વખતે માછીમારી અટકાવી દે છે. આ ભારતના કરોડો કિસાનોનું સન્માન છે જેમના માટે ઋતુચક્ર જ જીવનચક્ર છે. આ તે મહાન ભારતીય નારીઓનું સન્માન છે જે રિયુઝ અને રિસાઈકલ જિંદગીનો એક હિસ્સો છે. એક કીડીને પણ અન્ન આપવામાં પુણ્ય સમજતા ભારતમાં પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા માટે સમર્પિત તમામ ભારતીયોનું સન્માન છે.

પર્યાવરણના બહાને પોતાની સરકારની સિધ્ધિઓ જણાવતા મોદીએ કહ્યું કે, કલાઈમેંન્ટ જસ્ટીસ આજના સમયની જરૂરિયાત હોવાથી તેના અમલીકરણ માટે ઘણું બધું કામ કરવાની જરૂરિયાત છે. મોદીએ કહ્યું કે, સબકા વિકાસની વાતમાં પ્રકૃતિ પણ સામેલ છે. પર્યાવરણ પ્રત્યે આસ્થાની સાથે તેના અમલ માટે પ્રયાસો કરવામાં આવતા હોવાનું જણાવતા મોદીએ કહ્યું કે, ભારત ૨૦૨૨ સુધીમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકથી મુક્ત થઇ જશે. આ સમારોહમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પીએમ મોદી સહિત આ એવોર્ડ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅવ મેંક્રોને પણ આપવામાં આવ્યો છે.