મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનો માહોલ બને તે પહેલા જ ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી કેટલીક જાહેરાતો કરાઈ હતી જેમાં ખેડૂતો માટે આર્થિક સહાયની યોજના પણ હતી. ખેડૂતોને આર્થિક સહાય આપતી આ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. સ્વાભાવીક રીતે ચૂંટણીનો સમય નજીક હતો એટલે ઝટપટ ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરવાની સરકારને ઉતાવળ હતી અને તે પ્રમાણે સરકારે રૂ.2000 ખેડૂતોના ખાતામાં જમા પણ કરાવ્યા હતા.

હવે ખરો ખેલ શરૂ થયો હતો. પોતાના ખાતામાં રૂપિયા આવ્યા હોવાનો ખેડૂતોને મેસેજ પણ મળ્યો હતો. ખાતામાં રૂપિયા આવવા કોને ન ગમે... ખેડૂત પણ હરખાયો. આ રીતે કુલ 1,88,000 ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થયા હતા અને બધા ખુશ થઈ ગયા હતા.

હવે આરટીઆઈ દ્વારા એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ચૂંટણી પહેલા ખેડૂતોના ખાતામાં જમા કરાયેલા કુલ રૂપિયા 61.20 લાખ પાછા ખેંચી લેવાયા છે. પોતાના ખાતામાંથી સન્માન નિધિના નાણાં પરત ખેંચાવાના મેસેજ પણ ખેડૂતોને આવ્યા છે. આવી મઝાક જોઈ ખેડૂતો ખુબ નારાજ થયા છે.

યૂકે બેંકે પોતાના 2919 ખાતામાંથી 58 લાખ 38 હજાર રૂપિયા પરત લેવાયાની માહિતી આપી છે. રકમ પરત ખેંચવા માટેનું કારણ આપતા બેંકના અધિકારીઓનું કહેવું છે કે, કદાચ લાભાર્થીઓના એકાઉન્ટ નંબર ખોટા હશે અથવા આધાર નંબરમાં ભૂલ હશે. જોકે, પૈસા પરત ખેંચવાની બાબતમાં કેટલાક એવા ખાતા ધારકો પણ પણ જોવા મળ્યા છે કે ન તેમના આધારનંબરમાં ભૂલ હતી કે ન તેમના ખાતાનંબરમાં ભૂલ હતી. તેમ છતાં તેમની સહાય પરત ખેંચી લેવાઈ હતી. જો કે આ મુદ્દે બીજી અનેક બેંકોએ કોઈપણ જાતનો ખુલાસો આપવાનું ટાળ્યું છે. બીજી તરફ કૃષિમંત્રાલયે પણ કહ્યું કે આવી કોઈ માહિતી મળી નથી. જેથી બેન્ક અને મંત્રાલય બંને તરફથી મળેલા-ન મળેલા જવાબોને પગલે ખેડૂત તો જ્યાં હતો ત્યાંનો ત્યાં જ.