મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાતને સાચા અર્થમાં વાયબ્રન્ટ બનાવવા રેડ ટેપીઝમ નહીં રેડ કારપેટીઝમથી રાજ્યને ઉદ્યોગ ઉત્પાદન અને રોજગાર સર્જનમાં અગ્રેસર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યકત કરતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં ઉદ્યોગોના શુધ્ધિકરણ કરેલ ગંદાપાણીનો મુખ્યત્વે નદીમાં થતો નિકાલ દુર કરવા વેરાવળથી વાપી સુધી Deep Sea Discharge પાઇપલાઇન નાખવાની યોજના રૂપિયા ૫૫૦૦ કરોડના ખર્ચે સાકાર કરાશે.

તેમણે GPCB અંગે કેટલીક જાહેરાત કરતા જણાવ્યું છે કે, EC મેળવવાની જરૂર હોય તેવા ઉદ્યોગોને EC અને GPCBની એન.ઓ.સી એમ બે અલગ અલગ મંજુરીઓ મેળવવાની હોય છે. આ બંને મંજુરીઓ મેળવવા ઉદ્યોગોને ઘણો  સમય  જતો હોવાથી હવે રાજ્ય સરકારની “EC મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ”ની યોજનાથી વધુમાં વધુ ૧૦૫ દિવસમાં મંજૂરી મળશે. જેના કારણે દર વર્ષે આશરે લગભગ ૧,૦૦૦ ઉદ્યોગોને સીધો લાભ થવા સાથે ૧૦,૦૦૦ લોકોને વહેલી રોજગારી મળશે. 

રાજ્યમાં ડાઈઝનું ઉત્પાદન કરતા ૧,૦૦૦ ઉદ્યોગો  કાર્યરત છે. ડાઇઝનો પ્રકાર બદલવા માટે ઉદ્યોગે બોર્ડની મંજૂરી લેવી પડે છે. જેના માટે ૩ થી ૬ માસનો સમય લાગતો હતો. તેમાં હવે રાજ્ય સરકારની યોજનાથી દરેક મંજુરી માટે ટેકનીકલ કમીટીમાં જવું નહીં પડે અને પંદર દિવસમાં મંજુરી મળશે. આ યોજનાથી ૭૦૦ ડાઈઝ ઉધોગોને આ યોજનાનો સીધો લાભ થવા સાથે રૂપિયા ૨૦૦૦-૩૦૦૦ કરોડનું મૂડી રોકાણ વહેલું થશે. આ ઉપરાંત ૫૦ હજાર લોકોને સીધી રોજગારી મળશે.

GPCB દ્વારા પર્યાવરણીય કાયદાઓનું ઉલ્લંઘન કરનાર ઉદ્યોગો પાસેથી બેન્ક ગેરંટી લઈને જપ્ત કરવામાં આવેલ છે. આ એકઠી થયેલ લગભગ રૂપિયા ૧૫ કરોડનો પર્યાવરણના સુધારા માટે ઉપયોગ કરવામાં આવશે. GPCB દ્વારા રાજ્યમાં વાર્ષિક આશરે ૫,૦૦૦ એકમોને સીટીઈ ફ્રેશ અને સીસીએ રિન્યુઅલ અપાશે. આ મંજૂરી આપતા આશરે ૪૫ થી ૬૦ દિવસનો સમયગાળો સામાન્ય રીતે થાય છે. આ નીતિથી ૫,૦૦૦ એકમોને સીધો લાભ મળશે. GPCB દ્વારા ઉદ્યોગોને ૦૫, ૦૭ અને ૧૦ વર્ષ માટે અપાતા કન્સેંટને બદલે હવે ઉદ્યોગને ૫, ૧૦, અને ૧૫ વર્ષ માટે કન્સેંટ આપવામાં આવશે. જેથી ઉદ્યોગને વારંવાર મંજુરી લેવા આવવું ના પડે. જ્યારે વેરાવળથી વાપી સુધી શુધ્ધીકરણ કરેલા ઔદ્યોગિક ગંદાપાણીના Deep Sea Discharge માટે રૂપિયા ૫,૫૦૦ કરોડની સંકલિત યોજનાની પોલીસી વાઇબ્રન્ટ ગુજરાત પહેલા જાહેર કરવામાં આવશે.