અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.ગાંધીનગર): ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના વિશ્વાસુ પ્રદીપસિંહ જાડેજા નબળા ગૃહ રાજ્ય મંત્રી પુરવાર થઈ રહ્યા છે, પ્રદીપસિંહ જાડેજા આઈપીએસ અધિકારીઓ જ નહીં પરંતુ પીઆઈ ટૂ ડીવાયએસપીની બઢતી કે પછી છેલ્લા 9 મહિનાથી એક જ જગ્યા પર ડીવાયએસપીમાંથી એડી.એસપી બનાવેલા 21 અધિકારીઓને પણ પોસ્ટીંગ આપી શક્યા નથી. હવે, 2001 બેચના પીઆઈ ટૂ ડીવાયએસપીની બઢતીને પણ લટકાવી દીધી છે. પીઆઈ ટૂ ડીવાયએસપીના બઢતીના હુકમો 21 એડીશનલ એસપીને જ્યારે પોસ્ટીંગ આપવામાં આવશે ત્યારે જ બઢતીનો નિર્ણય લેવાશે.

ગુજરાત સરકારે ડીસેમ્બર 2016માં 2001 બેચના 25 પીઆઈને ડીવાયએસપીમાં બઢતી આપી હતી. ત્યાર બાદ આ બેચના 100 જેટલા પીઆઈ હજુ પણ બઢતીથી વંચિત છે. આ બેચના પીઆઈને ડીવાએસપીમાં બઢતી આપવા માટે ગત માર્ચ મહિનામાં ડીપાર્ટમેન્ટ પ્રમોશન કમિટિ (ડીપીસી) ક્લિયર કરી દેવાઈ હતી. આ અધિકારીઓને જુલાઈ મહિનામાં જ બઢતી મળી જવાની હતી પરંતુ આગામી 14મી જુલાઈએ રથ યાત્રા અને ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ આ બેચના પીઆઈને ડીવાયએસપીમાં બઢતીઓ આપવામાં આવે તેવી સંભાવનાઓ છે.

રાજ્ય સરકારે ગત મહિને 1993 અને 2000 બેચના અધિકારીઓને જ બઢતી આપી હતી પરંતુ 2004 બેચના એસપી ટૂ ડીઆઈજીની બઢતી તેમજ 2014 બેચના અધિકારીઓનો પ્રોબેશનર પિરિયડ પુરો થવા છતાં હજુ સુધી બઢતી આપવામાં આવી નથી.

ગુજરાત સરકારે ગયા નવેમ્બર મહિનામાં 21 ડીવાયએસપીને એડી.એસપી તરીકે બઢતી આપી હતી પરંતુ તેમને પોસ્ટીંગ આપ્યા ન હતા. હવે, આ 21 અધિકારીઓમાંથી 16 જગ્યાઓ એવી છે જ્યાં ડીવાયએસપીની નિમણૂંક કરવી જ પડે તેમ છે કારણ કે, સરકારે 21 ડીવાયએસપીને એડી.એસપીમાં બઢતી આપી ડીવાયએસપીની પોસ્ટ પર જ ચાલુ રાખ્યા છે. હવે જો 2001 બેચને ડીવાયએસપીમાં બઢતી આપવી હોય તો સૌ પ્રથમ 21 એડી. એસપીના પોસ્ટીંગ આપવા પડે અને ત્યાર બાદ જ પીઆઈ ટૂ ડીવાયએસપીનો કોઈ નિવેડો નિકળી શકે તેમ છે.