મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાનો સિલસિલો સતત જારી છે અને તેમના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. કોંગ્રેસ સરકાર પર મોંઘવારી અને પેટ્રોલ-ડિઝલના ભાવ પર આકાર પ્રહાર કરી જે નરેન્દ્ર મોદી ચૂંટણી જીતી વડાપ્રધાન બન્યા છે તેમના જ રાજમાં પેટ્રોલ-ડિઝલના સાતમા આસમાને પહોંચી ગયા છે.

આજે રવિવારે પેટ્રોલના ભાવ 74.40 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલનો ભાવ 65.65 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ઇંધણના આ સૌથી ઉંચા ભાવ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ કંપનીઓ હવે દરરોજ પેટ્રોલ-ડિઝલની કિંમતો નક્કી કરે છે. રવિવારે પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં દિલ્હીમાં 19 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા પાછળ ઓઇલ કંપનીઓના અધિકારીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને જવાબદાર ગણાવી રહ્યા છે. આ પહેલા શનિવારે પણ પેટ્રોલના ભાવમાં 13 પૈસા અને ડિઝલના ભાવમાં 15 પૈસાનો વધારો કરાયો હતો. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2013માં પેટ્રોલના ભાવ 76.06 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચ્યા હતા.

બજેટ પહેલા પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા પેટ્રોલ-ડિઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની માગણી કરવામાં આવી હતી પરંતુ ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરવા દરમિયાન નાણામંત્રી અરુણ જેટલીએ આવી કોઈ જાહેરાત કરી ન હતી. વર્ષ 2014થી 2016 દરમિયાન નાણા મંત્રીએ 9 વખત એક્સાઇઝ ડ્યુટી વધારી છે.