મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ આગામી દિવસોમાં હજુ પણ ચાર રૂપિયા સુધી વધવાની શક્યતા છે. બ્રોકરેજ ફર્મ્સના જણાવ્યા અનુસાર જો સરકારી ઓઇલ કંપનીઓએ કર્ણાટક ચૂંટણી પહેલાના માર્જિનની સ્થિતિમાં પહોંચવુ હશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા સુધીનો વધારો કરવો પડશે.

કર્ણાટકમાં ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થયા બાદ સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડએ 19 દિવસ બાદ સોમવારથી ફરી એક વખત દૈનિક આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ-ઘટ કરવાનું શરુ કર્યું છે અને ત્યારથી પેટ્રોલ 69 પૈસા મોંઘુ થયુ છે.

દિલ્હીમાં આજે ગુરુવારે પેટ્રોલનો 75.32 રૂપિયા પ્રતિ લિટરના ભાવે હતું. આ ભાવ છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઉંચો ભાવ છે. ડીઝલના ભાવમાં આ સપ્તાહમાં 86 પૈસાનો વધારો થયો છે અને દિલ્હીમાં આજે ગુરુવારે ડીઝલનો ભાવ 66.79 રૂપિયા પ્રતિ લિટર હતો.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આગામી સપ્તાહમાં પેટ્રોલની કિંમતમાં 4 રૂપિયા અને ડિઝલની કિંમતમાં પણ ચારથી સાડા ચાર રૂપિયા સુધીનો વધારો કરશે તો જ આ કંપનીઓ 2 રૂપિયા 7 પૈસા પ્રતિ લિટરના ગ્રોસ માર્કેટિંગ માર્જિન સુધી પહોંચી શકશે.