મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દિવાળી ટાણે મોંઘવારીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. આપણે ત્યાં તહેવારો અને તે સમયે આવતા વ્યવહારો સામાન્ય માણસ માટે આવા મોંઘવારીના સમયે વધુ મોંઘા બની જતા હોય છે. ત્યારે વધુ એક મોંઘવારીનો ડોઝ જનતાને મળવાનો છે. પેટ્રોલ ડીઝલના ભાવ દિવસેને દિવસે સતત વધી રહ્યા છે. ત્યારે આજે ફરી સીએનજી, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેવામાં પેટ્રોલ ડીઝલના ભાવથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો સીએનજી તરફ વળી ગયા છે. ત્યારે આજે સીએનજી ગેસમાં પણ ભાવ વધારો થયો છે. 

પેટ્રોલ ડીઝલ અને સીએનજી ગેસમાં જાણે રેસ ચાલી રહી હોય તે રીતે ભાવ વધી રહ્યા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અદાણી સીએનજી ગેસના ભાવમાં ૨.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અદાણી સીએનજી ગેસનો નવો ભાવ ૬૪.૯૯ રૂપિયા થઈ ગયો છે. આગાઉ ઓક્ટોબર મહિનામાં જ  સીએનજીના ભાવમાં ૮ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. આજે ફરી એક વાત ભાવ વધતા બે મહિનામાં જ સીએનજી ગેસના ભાવમાં ૧૦ રૂપિયા જેટલો વધારો થયો છે. દોઢ માસ અગાઉ સીએનજી ગેસનો ભાવ ૫૪.૬૦ રૂપિયા જેટલો હતો. ત્યારે તહેવારોની સિઝનમાં મોંઘવારીનો ત્રીપલ માર સામાન્ય જનતા પર પડવાનો છે.

સીએનજી ગેસના ભાવ વધતા સીધી અસર રિક્ષા ચાલકો પર પડી રહી છે. સીએનજી ગેસના સતત વધી રહેલા ભાવ સામે રિક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા છે. બે મહિનાથી સતત વધી રહેલા ભાવ વધારાને પગલે ઘર ચાલવું કે ગાડી તે પ્રશ્ન ઊભો થયો છે. જોકે પહેલા વાત અલગ હતી કે ઈંધણનો સામાન્ય ભાવ વધારો પણ સરકારને ધ્રુજાવી મુકતો હતો જોકે હવે સ્થિતિ જુદી છે. હાલ સરકાર જાણે છે, જુએ છે છત્તાં ઈંધણના ભાવમાં ટેક્સની રાહતની પણ જાહેરાત કરે તેવી સ્થિતિ થતી નથી કારણ કે તેમાં કમાણી અધધધ છે. ભાવ વધારાને કારણે આવા ઘણા આરોપો સરકાર પર લોકો મુકી રહ્યા છે.