મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલઃ ગોંડલના ભોજરાજપરા કુંભારવાડા ખાતે રહેતો પ્રજાપતિ પરિવાર બોટાદ ખાતે લગ્નમાં ગયો હતો જ્યાં દાંડિયા રાસ રમતી વેળા એ બનેવીના હૃદયના ધબકારા બંધ થતાં ઢોલ ના ધબકારા અટકી માતમ છવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કુંભારવાડા ના રહેતા અને ઈટોના વ્યવસાય સાથે જોડાયેલ અરવિંદભાઈ દેવજીભાઈ કોશિયા પરિવાર સાથે બોટાદ મામાજીની દીકરી ના લગ્ન માં પહોંચ્યા હતા અને રાત્રિના દાંડિયારાસની રમઝટ જામી હતી એ વેળાએ જ અચાનક જ અરવિંદભાઈ ને હાર્ટ એટેકનો હુમલો આવતા તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને લગ્નના ગીતો ની જગ્યાએ મરશિયા છવાયા હતા.

ગોંડલ ખાતે અરવિંદભાઈ બહોળો મિત્ર વર્ગ તેમજ સગા સ્નેહી ધરાવતા હોય તેઓની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં જ્યારે બોટાદ ખાતે લગ્ન સાદાઈથી યોજાયા હતા કહેવત છે ને ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું તેવી ઘટના ગોંડલના પ્રજાપતિ પરિવાર સાથે થતા પરિવાર શોકમાં ગરક થવા પામ્યો છે.