મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર:  ગાંધીનગરના જ એક ગામના લોકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને તેનું માત્ર એક જ કારણ છે કે ગામ અને ગામની સીમ વચ્ચેથી પસાર થતા હાઈ-વે ના કારણે ગામના લોકો અને ખેડૂતોને અવર જવરની સમસ્યા ઊભી થઈ છે અને સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

ગાંધીનગરના જ પીરોજ્પુર ગામમાં લોકોને ખેતરમાં પહોંચવા માટે અને ખેતરમાં રહેતા લોકોને ગામમાં આવવા માટે અને તેમના બાળકોને હવે ગામની સ્કૂલમાં મોકલવા માટે મોટી સમસ્યા નેશનલ હાઈ-વે દ્વારા ઊભી કરી દેવામાં આવી છે.

પીરોજ્પુર ગામની સીમમાંથી પસાર થતો અમદાવાદ- હિંમતનગર હાઈ-વે હવે ૬ લેન થઇ રહ્યો છે અને તેના કારણે રોડને પહોળો અને ઊંચો પણ કરી દેવામાં આવ્યો છે.

આજથી ૩ મહિના પહેલા  ગામના સરપંચ દ્વારા અમદાવાદની નેશનલ હાઈવે ઓથોરીટીની ઓફીસ ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આ બાબતે ગાંધીનગર દક્ષીણના ધારાસભ્ય શંભુજી ઠાકોરને પણ રજૂઆત કરવામાં આવી છે અને તેમને દ્વારા કલેકટર ગાંધીનગરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કલેકટર દ્વારા હજી સુધી આ ગામની સમસ્યાને ધ્યાન પર લેવામાં આવી નથી.

સરપંચ રાવજીભાઈ જાદવે ચીમકી આપી કે સરકાર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે નહી તો ગામના લોકો સહીત રોડ ઉપર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને આવનાર લોકસભા ચુંટણીમાં સમગ્ર પીરોજ્પુર ગામના લોકો  ચુંટણી બહિષ્કાર કરશે.

તેમણે જણાવ્યું કે રોડને ૧૦ ફૂટ જેટલો ઉંચો કરી દેવામાં આવ્યો છે અને મુખ્ય હાઈ-વે પર જે ગામને  જોડતો રસ્તો હતો એ પણ હવે અવ્યવસ્થિત થઇ ગયો છે અને ત્યાંથી ગામના લોકો, ખેડૂતો અને સ્કૂલના બાળકો પસાર થાય છે.

સરપંચે વધુમાં જણાવ્યું કે રોડ પહોળો થવાને કારણે લોકોને ૪ કિમી દુર આપેલ કટથી વળાંક લઈને પસાર થવું પડે છે અને ગામના ખેડૂતો જે ઓરજ સીમ વિસ્તારમાં જાય છે તેમના માટે આ ખુબ તકલીફ વાળું થઇ ગયું છે. ગામની ૭૦ % જમીન હાઈ-વેની બીજી બાજુએ છે અને સ્કૂલના ઘણા બાળકો સીમમાંથી આવે છે જે હવે આ હાઈ-વે પૂર્ણ સ્વરૂપે ચાલુ થઇ જશે તો ક્રોસ કરી શકશે નહીં અને તેના પરિણામે દીકરીઓએ સ્કૂલ છોડી દેવાનો વારો આવશે.