મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદથી અત્યાર સુધીમાં આકાશી વીજળી પડવાથી ૧૦, પાણીમાં ડૂબવાથી ૧૩, વાવાઝોડા-અન્ય કારણોથી ૯ મળી કુલ ૩૨ માનવ મૃત્યુ તેમજ ૧૨૫ પશુ મૃત્યુ નોંધાયા છે. આ પૈકી ૧૪ માનવ મૃત્યુમાં રૂપિયા ૫૬ લાખની મૃત્યુ સહાય ચૂકવી દેવાઇ છે.સરકાર દ્વારા પ્રભાવીત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હોવા સાથે વરસાદી પાણી ઓસરે ત્યાં ખેડૂતોના પાકને થયેલ નુકસાનના સરવે તેમજ અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય સત્વરે ચૂકવવા જિલ્લા કલેકટરોને સૂચના રાજ્ય સરકારે આપી છે.

મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે,સમગ્ર ગુજરાતમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૪૪ ટકા જેટલો થઇ ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૯ જિલ્લાના ૧૪૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ગઇકાલે મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગિર-સોમનાથ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓએ વલસાડ, અમરેલી, જૂનાગઢ અને ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રાહત-બચાવની કામગીરીનો તાગ મેળવ્યો અને સરકારી તંત્રને વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા સુચના આપી છે.

રાજ્યમાં રાહત-બચાવની કામગીરી માટે ૨૦ એન.ડી.આર.એફ.ની ટીમો કાર્યરત છે. જેના દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાંથી ૪૦૨૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરાયું છે અને ૫૯૬ જેટલા લોકોને રેસ્કયુ દ્વારા બચાવી લેવાયા છે.આ સાથે ખેડૂતોના પાકને નુકસાન થયું હોય તો તેનો પણ સરવે યુદ્ધના ધોરણે હાથ ધરાશે. ઉપરાંત વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ, ઘરવખરી સહાય, મૃત્યુ સહાય તેમજ પશુ સહાય જે સરકારના ધારા ધોરણ મુજબ મળવાપાત્ર છે તે મુજબ સત્વરે ચૂકવી દેવા માટે સંબંધિત વિભાગો તથા અધિકારીઓને આદેશો કરી દેવાયા છે. વરસાદને કારણે અત્યાર સુધીમાં ૫૬૫ ગામોમાં વીજ પુરવઠાને અસર થઇ છે.તો રાજ્યના ૧૬૮ માર્ગોને પણ અસર થતા વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી પણ પ્રગતિમાં છે.