મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે ૨૦૧૫ના વર્ષમાં અમલમાં મુકેલી અટલ પેન્શન યોજનામાં ભાજપ સરકાર પેન્શનની મર્યાદા દર મહીને રૂપિયા ૫૦૦૦થી વધારીને રૂપિયા ૧૦૦૦૦ કરવાની ટૂંક સમયમાં જાહેરાત કરશે. મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રમાં રોજગારીને ધ્યાનમાં રાખીને અમલી બનાવાયેલી આ યોજનામાં અત્યારે ૧૮થી ૪૦ વર્ષની વ્યક્તિ રોકાણ કરીને ૬૦ વર્ષની ઉંમર બાદ રૂપિયા ૫૦૦૦ સુધી દર મહિને પેન્શન મેળવી શકે છે.

આ અટલ પેન્શન યોજનામાં ૧૮ વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ ૮૪ રૂપિયા દર મહિને રોકાણ કરે તો ૬૦ વર્ષની ઉંમર બાદ દર મહિને બે હજાર રૂપિયા પેન્શન મળશે એટલે કે વાર્ષિક ૨૪ હજાર રૂપિયા મળશે. તેમાં જો પેન્શનની મર્યાદા વધી જાય છે તો રિટર્ન પણ વધી જશે. બેન્ક કે પોસ્ટ ઓફિસમાં માત્ર એક સેવિંગ એકાઉન્ટ ખોલાવી અથવા જો એકાઉન્ટ ખોલાવી રાખ્યું હોય તો આ સ્કીમમાં એપ્લાય કરી રોકાણની શરૂઆત કરી શકાય છે. તેમાં માસિક, ત્રિમાસિક, અને છ માસિક પેમેન્ટ પણ કરી શકાય છે. જેમાં ઉંમર, આવક, બચત અને પેન્શન રકમ પ્રમાણે રોકાણની રકમ પસંદ કરી શકાય છે. આ યોજનામાં રોકાણ માટે કોઇ ખાસ યોગ્યતાની જરૂર નથી અને કોઈપણ નાગરિક રોકાણ કરી શકે છે.

જો પ્રીમિયમની સમયસર ચૂકવણી કરવામાં નહીં આવે તો પણ દંડ ખૂબ જ ઓછો થશે. આ રોકાણની રકમ પ્રમાણે દર મહિને ૧થી ૧૦ રૂપિયાની વચ્ચે દંડની જોગવાઇ છે, પરંતુ જો લાંબા સમય સુધી ચૂકવણી કરવામાં નહીં આવે તો એકાઉન્ટ ફ્રીજ થઇ જશે. જેમાં ૧૨ મહિના બાદ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરાશે અને ૨૪ મહિના બાદ એકાઉન્ટ બંધ કરી દેવાશે. આ યોજનામાં જો રોકાણકારોનું મોત થઇ જાય તો પેન્શન તેમની પત્નીને મળશે અને જો બંનેનું મોત થાય તો પેન્શનની રકમ નૉમિનીને મળશે, પરંતુ ૬૦ વર્ષ પહેલાં રોકાણ કરેલી રકમ પાછી મેળવી શકાશે નહીં. જો કે રોકાણકારનું મોત થાય અથવા ગંભીર બીમારીની સ્થિતિમાં સમય કરતાં પહેલાં પૈસા ઉપાડવાની છૂટ છે.