મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ પાટીદારોના પ્રભુત્ત્વવાળો વિસ્તાર શનિવારે સવારથી રીતસર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. કારણ કે આજથી હાર્દિક પટેલના ઉપવાસનો પ્રારંભ થયો અને આજે જ સ્વ. અટલબિહારી વાજપેઈના અસ્થિની યાત્રા સુરતમાં પ્રવેશવાની છે. પરિણામે પોલીસ ટેન્શનમાં આવી ગઈ છે. આ અસ્થિ વિસર્જન યાત્રા વરાછા મેઇન રોડ, હીરાબાગ ખાતેથી શરૂ થવાની છે. જે વિસ્તાર  પાટીદારોના પ્રભુત્ત્વવાળો છે. પરિણામે આ વિસ્તારમાં કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાટીદારોની અટકાયતોનો દોર શરૂ કરી દેવાયો છેે તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું કે અમારા 16000 લોકોની અટકાયત કરવામાં આવી છે. અમે અત્યાચાર સહન નહીં કરીએ.

તાજેતરમાં જ હાર્દિક સહિત પાસના આગેવાનોની અમદાવાદ પોલીસે અટકાયત કરી તેના વિરોધમાં સુરતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને એક બસને આગ ચાંપી દેવા ઉપરાંત ચાર બસના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ સાવધ બની છે અને શનિવારે સવારથી જ પોલીસના ધાડેધાડા આ વિસ્તારમાં પહોંચી ગયા છે. અસ્થિ વિસર્જન યાત્રા બપોરે સાડા  ત્રણ વાગ્યે આવવાની હોવાથી હાલ તો વાતાવરણ શાંત છે. પરંતુ અસ્થિ યાત્રા દરમિયાન ઘર્ષણ થવાની શક્યતાને ધ્યાને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ સંદર્ભે હાર્દિક પટેલે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, અમને એક પણ વિસ્તારમાં મંજુરી ન મળી, મારા ઘરે આવેલા ધારાસભ્યોને પણ રોકવામાં આવ્યા, 16000થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ પણે અમારા સમર્થકોને બોલાવીને કહ્યું છે કે અમે હાર્દિકને અમે ઉઠાવી જવાના છીએ. માનવ હકોના વિરુદ્ધમાં જે કાંઈ થયું તેનું દુઃખ છે. સરકારે જે રીતે અમારા વિરુદ્ધમાં ઉતરી પડવાનું કર્યું, પોલીસનો ઉપયોગ કર્યો તે રીતે હજુ પણ ગુજરાતના લોકોને કહું છું કે અત્યાચાર સહન કરો અથવા અત્યાચાર સામે અવાજ ઉઠાવો, અમે મરી જઈશું પણ અત્યાચાર સહન નહીં કરીએ.