મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષથી રાજ કરતી ભાજપ સરકારને પાટીદાર આંદોલનકારી યુવાનોએ ઝુકાવી હોવાનું જણાવતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને સંવેદનશીલ બની દરેક વર્ગ માટે વિવિધ યોજનાઓ અને નીતિઓ ઘડીને સહાયક બની ઉભી રહેવાનું કહી ઉમેર્યું છે કે, તેના કારણે કોઈ વર્ગ કે સમાજે આંદોલન કરવા મજબુર થવું પડશે નહીં.

પરેશ ધાનાણીએ હાર્દિક પટેલના અનામત આંદોલનને કોંગ્રેસ પક્ષના સમર્થન અંગે પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના અનામત આંદોલનમાં જોડાવવા અંગે હજુ સુધી પક્ષમાં કોઈ ચર્ચા થઈ નથી. પરંતુ ટૂંક સમયમાં પરામર્શ કરવામાં આવશે.

જો કે, કોંગ્રેસ દરેક વર્ગની પીડા સાથે જોડાઈને સૌની સમસ્યા અને દુઃખમાં ભાગીદાર થાય છે. જેમાં દરેક બીનઅનામત વર્ગના લોકોને સરકારી સુવિધાઓનો લાભ મળતો નથી. તેમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારમાં પુરતી તક નહીં મળતા પાટીદાર સમાજના યુવાનો ધ્વારા કરાયેલું આંદોલન આ સમસ્યાઓનું પ્રતિનિધિત્વ હતું. જેને સરકારે પણ સ્વીકૃતિ આપતા બીનાનામત આયોગની રચના ધ્વારા આ લાભો આપવાની જાહેરાત કરવી પડી છે.

આ આંદોલનથી ભાજપ સરકારે મજબુર થવું પડ્યું તે આંદોલનકારી યુવાનોની જીત હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું છે કે, કોંગ્રેસ પક્ષ સંવિધાન પ્રમાણે અધિકાર આપવા માટેની લડતમાં સંપૂર્ણ સહયોગ આપશે.