મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: લોકસભા ચૂંટણીને આડે કેટલાક મહિનાઓ બાકી રહ્યા છે અને ફરી એક વખત પાટીદાર અનામત આંદોલન જોર પકડી રહ્યું છે. હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ દ્વારા શહીદ યાત્રાનો પ્રારંભ કરાયો છે. ત્યારે બીજી તરફ આંદોલનને આંચકો લાગે તેવો વીડિયો અને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ કથિત વીડિયોમાં ઉમિયા સિદસર ધામ સંસ્થા સાથે જોડાયેલા જેરામ બાપા નીતિન પટેલ સાથે 10થી 15 લાખ રૂપિયાની લેવડ-દેવડની વાત કરી રહ્યાં છે. આ વીડિયો સાથે વાયરલ કરાયેલ પોસ્ટ નીચે પ્રમાણે છે.

પાટીદાર અનામત આંદોલનને લગતો વધુ એક વીડિયો વાઇરલ..

અનામતને લઇને ચાલી રહેલા પાટીદારોના આંદોલનમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે,આ વીડિયો ઉમિયા સિદસર ધામ સંસ્થા સાથે જોડાયેલા જયરામ વાંસજડીયા (જેરામ બાપા)નો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ 10 થી 15 લાખ રૂપિયાની લેવડ દેવડની વાત કરી રહ્યાં છે, આ વીડિયો આંદોલન સાથે જોડાયેલા જ કોઇ વ્યક્તિએ બનાવ્યો હોવાનું લાગી રહ્યું છે,વીડિયોમાં તમે સાંભળી શકો છો કે જયરામ વાંસજડીયાની લાખો રૂપિયાની ચર્ચામાં કોઇ નીતિન પટેલ અને સી.કે પટેલની વાત કરી રહ્યાં છે,સી કે પટેલ પર પહેલા પણ પૈસાની હેરાફેરીના આરોપ લાગ્યા છે,અહી સવાલ એ થાય છે કે પાટીદાર સમાજના અગ્રણી જે રૂપિયાની લેવડદેવડની વાત કરી રહ્યાં છે તે કયા કામ માટે આપવાના હતા ? શું પાટીદારોનું આંદોલન તોડી નાખવા હાર્દિક પટેલનો વિરોધ કરવા કે પછી આંદોલનની માહિતી મેળવવા આ ષડયંત્ર રચાયું હતુ ?

અમે તમને જણાવી દઇએ કે જયરામ વાંસજડીયા અનેક નેતાઓની નજીકના વ્યક્તિ છે અને પાટીદાર આંદોલન તોડવા તેમની મહત્વની ભૂમિકા હોવાના પાસ કન્વીનરો આરોપ લગાવી ચુક્યા છે, અગાઉ પાસમાંથી જે લોકો ભાજપમાં ગયા છે તેમને રૂપિયા આપીને ખરીદવામાં આવ્યાં હોવાના આરોપ લાગ્યા છે અને આ ડીલમાં જયરામ વાંસજડીયાની મોટી ભૂમિકા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આંદોલન વેગ પકડી રહ્યું હતુ, ત્યારે જયરામ વાંસજડીયા પાસના કન્વીનરોને મળવા જેલમાં જતા હતા, તેમની આ મુલાકાતો પર પણ અનેક સવાલ ઉભા થયા હતા,

થોડા દિવસો પહેલા સુરતના મુકેશ પટેલ અને કડીના મનસુખભાઇનો પૈસાની લેતી દેતીની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો હતો.જેમના પર આરોપ છે કે આ લોકોએ રાજકીય પાર્ટીના ઇશારે આંદોલન તોડવા કેટલાક કન્વીનરોને રૂપિયાની ઓફર કરી હતી.જેની વાતચીત આ વીડિયોમાં દેખાઇ રહી હતી, ત્યારે હવે કહેવાતા સમાજના આગેવાન જેરામ બાપાનો વધુ એક વીડિયો સામે આવતા પાટીદાર સમાજ પ્રત્યેની તેમની ફરજો પર શંકા વ્યકત થઇ રહી છે, પાટીદાર સમાજે તેમને જે સ્થાન આપ્યું છે તે સ્થાનની ગરિમા લજવાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે ? જો જયરામ વાંસજડીયાએ પાટીદાર અનામત આંદોલન તોડવા કોઇ પ્રયાસ કર્યા હોય તો સમાજમાં તેઓ રોષનો ભોગ બનશે તે નક્કિ છે, શું શહીદોના પરિવારો તેમને માફ કરશે ? શું સમાજ સામે કોઇ ષડયંત્ર થઇ રહ્યું છે ? અનેક પ્રશ્નો આ વીડિયો પરથી ઉભા થઇ રહ્યાં છે, સાથે જે સૌથી મોટો સવાલ એ છે કે જો આંદોલન તોડવા રૂપિયા વહેંચવામાં આવ્યા હોય તો શું તે રૂપિયા પાટીદાર સમાજના હતા કે પછી અન્ય કોઇ રાજકીય પાર્ટીના હતા ?

જો પાટીદાર સમાજની સંસ્થાઓના રૂપિયાનો ઉપયોગ સમાજની સામે જ કરવામાં આવ્યો હોય તો તે કેટલું યોગ્ય છે ? અગાઉ પણ જેરામ બાપા પર સમાજની કરોડો રૂપિયાની જમીનમાં ગેરરીતી મામલે આરોપ લાગ્યા છે, અનેક પાટીદારોની રાજકીય કારકીર્દી પુરી કરી નાખવાના પણ આક્ષેપ થયા છે, ત્યારે જોવું રહેવું કે આ વીડિયો જોયા પછી પાટીદાર સમાજની સંસ્થાઓના અગ્રણીઓ અને અન્ય પાટીદાર શું પગલા ભરશે, આ મામલે હજુ પણ નવા ખુલાસા થાય તો નવાઇ નહીં.