મેરાન્યૂઝ નેટર્ક.નવી દિલ્હીઃ ઘણા ઓછા સમયમાં એફએમસીજી માર્કેટમાં કુદકેને ભુસ્કે આગળ વધનાર બાબા રામદેવી પતંજલિનો વ્યાપ વધી રહ્યો છે. આ ક્રમમાં પતંજલિએ તમામ મોટી ઈ-કોમર્સ કંપનીઓ સાથે ડીલ કરી લીધી છે. સાથે જ પતંજલિની દુકાન હવે ડીઝિટલ થઈ ગઈ છે.

બાબા રામદેવ અને પતંજલિની પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું કે પતંજલી ઉત્પાદનો હવે ઓનલાઈન વેચાવા માટેના અભિયાનને ‘હરિદ્વારથી હર દ્વાર સુધી’નું નામ અપાયું છે. દિલ્હીમાં યોજાયેલી આ પરિષદમાં એમડી અને સીઈઓ આચાર્ય બાલકૃષ્ણ અને ઈ-કોમર્સ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર હતા.

પતંજલિના પોતાના પ્રોડક્ટ્સની ઓનલાઈન સેલીંગ માટે એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ, ગ્રોફર્સ, બિગબાસ્કેટ જેવી નામાંકિત ઈ-કોમર્સ કંપનીઓ સાથે હાથ મિલાવાયા છે. ઉલ્લેખનીય છે કે આ પૈકીની ઘણી વિદેશી કંપનીઓ છે. ઉપરાંત શોપક્લૂઝ અને નેટમેડ્સૂ દ્વારા પણ પતંજલી પ્રોડક્ટ્સના ઓનલાઈન ઓર્ડર અપાઈ શકાશે. પતંજલિના પોતાના ઓનલાઈન સ્ટોર્સ પણ ખોલાયા છે. પતંજલીની વેબસાઈટથી પણ ઓનલાઈન ઓર્ડર લેવાનું શરૂ થયું છે.