મેરાન્યૂઝ નેટવર્ક.ધાંગધ્રાઃ ધ્રાંગધ્રાના જોગેશભાઇ ઘેલાણી પાસે પાસપોર્ટ વેરિફીકેશન માટે સિટી પોલીસના કર્મચારીએ લીગલ કાગળનું બંચ માંગ્યું હોવાની યુવાને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે. જોગેશભાઇ ઘેલાણીએ પોલીસ કર્મચારી સાથે થયેલી વાતની ઓડીયો ક્લિપ સાથે રજૂઆત કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. ધ્રાંગધ્રા ગણેશ સોસાયટીમાં રહેતા જોગેશભાઇ એમ ઘેલાણીને પાસપોર્ટનું વેરીફીકેશન કરાવવાનું હતું. જે બાબતે પોલીસ કર્મચારી એ કાગળનો બંચ માંગ્યો હોવાની જિલ્લા પોલીસ વડાને ઓડીયો ક્લીપ સાથે લેખિત રજૂઆત કરી હતી.

જોગેશભાઇએ રજૂઆતમાં જણાવ્યું કે પાસપોર્ટ વેરીફીકેશનમાં સાક્ષીના એક ડોક્યુમેન્ટની ઝેરોક્ષ દેવાની બાકી હતી. પાસપોર્ટ વેરિફિકેશન માટે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને ગયા હતા. આ સમયે સાક્ષીના ડોક્યુમેન્ટ સાથે ન હોવાથી એક ઝેરોક્ષ દેવાનું કામ બાકી રહ્યું હતું બાદમાં એલ.આઇ.સી શાખામાં નોકરી કરતા પોલીસ કર્મચારી "પરેશ પટેલ" નો ફોન આવ્યો હતો તેણે ફોન પર કહ્યું કે "પોલીસ સ્ટેશને આવો એટલે લીગલ પેપરનું બંચ લેતા આવજો અમે બીજા ના પૈસા લઈએ છીએ પણ તમારા પૈસા નથી લેવા તમે લિગલ પેપરનુ બંચ લેતા આવજો અને હાલ રથયાત્રા છે પોલીસ સ્ટેશનમાં કાગળ નથી તો તાત્કાલિક કાગળ આપી જાવ આ ફોન રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. એક તરફ તંત્ર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે જ્યારે બીજી તરફ પોલીસ કર્મચારીઓને કામ કરવા માટે પુરતા કાગળો પણ ન મળતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.