પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-9): 1980માં ભાજપની સ્થાપના પછી આર્થિક સંકાડમણો વચ્ચે બાપુ અને કેશુભાઈ રાત દિવસ પાર્ટી માટે મહેનત કરતા હતા ત્યારે તેમના સાથી તરીકે દત્તાજી ચિરંદાસ અને નટુભાઈ પટેલ જેવા સાથીઓ ઉપર હતા. જ્યારે કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલ જેવા નેતાઓને પણ બાપુ લઈ આવ્યા હતા, કઈ રીતે ગુજરાતમાં ભાજપને સત્તા ઉપર લાવી શકાય તે માટે શંકરસિંહ વિચારતા હતા. ત્યારે તેમને નરેન્દ્ર મોદીના નામનો વિચાર આવ્યો. ભાજપના માળખા પ્રમાણે સંઘનો એક પ્રતિનિધિ ભાજપમાં રહેતો હતો, જેના ભાગરૂપે નાથાલાલ ઝઘડા ભાજપમાં હતા પણ અત્યંત સરળ અને સાદી જીંદગી જીવનાર નાથાકાકા સ્વભાવે કડક હતા. જેના કારણે બાપુ અને નાથાકાકા વચ્ચે સતત ઘર્ષણ થયા કરતું હતું. બાપુ નાથાકાકાની ઉંમર થઈ છે તે બહાને તેમને ખસેડવા માગતા હતા. સંઘના કાર્યકરોમાં અવારનવાર મળતા નરેન્દ્ર મોદી અને બાપુ  વચ્ચે મિત્રતા વધવા લાગી હતી.

બાપુએ સંઘના પદાધિકારીઓ સાથે વાત કરી નરેન્દ્ર મોદીને ભાજપમાં મોકલી આપવા વિનંતી કરી અને 1987માં ખુદ બાપુ  નરેન્દ્ર મોદીને ભાજપમાં લઈ આવ્યા હતા. જો કે ત્યારે પક્ષ થોડો આર્થિક પગભર થયો હોવાને કારણે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં પ્રદેશ કાર્યાલય ખસેડવામાં આવ્યું હતું. 1970ના દસકમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં પુર્ણ સમયકાલીન પ્રચારક થઈ ગયેલા નરેન્દ્ર મોદી સંઘમાં હોવા છતાં પહેલાથી તેમને સાદગી સાથે ખાસ ફાવતું ન્હોતું. તેઓ માનતા કે ઈરાદાપુર્વક સાદગી દેખાડવાનો શોખ નથી. સામાન્ય રીતે પ્રચારકો સ્વંય સેવકોને ત્યાં મળવા અને જમવા જતા હોય ત્યારે તેમનો ઝોક થોડાક શ્રીમંત હોય તેવા સ્વંય સેવકો તરફ જ રહેતો હતો, તેમાં પણ તે  સ્વંય સેવકના પરિવારમાંથી કોઈ વિદેશ હોય તેવાને તે પ્રધાન્ય આપતા હતા.

સંઘ ભલે સ્વદેશીની વાત કરતું હોય પણ મોદીને વિદેશી વસ્તુઓ તરફ લગાવ હતો. વિદેશમાં રહેતા સ્વંય સેવક વિદેશી વસ્તુઓ ભેટ રૂપે લઈ આવે ત્યારે તેઓ ખુબ રાજી રહેતા હતા. ભાજપમાં આવ્યાને હજી તેમને થોડાક જ દિવસ થયા હતા ત્યારે મોબાઈલ ફોન આવ્યા ન્હોતા જેના કારણે ભાજપના લેન્ડ લાઈન ફોનનો જ ઉપયોગ કરવો પડતો હતો. બહારથી ફોન આવે તો પહેલા ઓપરેટર પાસે જતો હતો અને ત્યાર બાદ ઓપરેટર જેનો ફોન હોય તેને જઈ તેમના રૂમમાં જાણ કરતો હતો. તે દિવસ નરેન્દ્ર મોદી પોતાને મળવા આવેલા કેટલાક લોકો સાથે ગપ્પા મારી રહ્યા હતા ત્યારે ઓપરેટર કહેવા આવ્યો કે અમેરિકાથી અંજલી મહેતાનો ફોન છે. અંજલી મહેતા મુળ ખાડિયાના અને સંઘ પ્રત્યે તેમનો અને તેમના પરિવારનો લગાવ હતો. નરેન્દ્ર મોદી તે પરિવારને મળવા તેમના ઘરે જતા હતા, પછી અંજલી મહેતાના લગ્ન થયા અને તેઓ અમેરિકા સ્થાયી થયા હતા.

એક પ્રચારક ભાજપમાં મહામંત્રી તરીકે આવ્યા તેની જાણકારી મળતા અંજલી મહેતાએ શુભેચ્છા આપવા માટે ફોન કર્યો હતો, ત્યાં બેઠેલા લોકો માત્ર નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે તે વાત જ સમજી શકતા હતા. નરેન્દ્ર મોદીએ પહેલા તો અંજલીને કહ્યું કે તેઓ હજી ભાજપમાં નવા છે, તેઓ ભાજપને સમજવાનો પ્રયત્ન કરે છે, પણ એક વાક્ય તેવું બોલ્યા કે તું જોયા કર હું બહુ જલદી ભાજપ ઉપર કબજો કરી લઈશ. જો કે ત્યારે ત્યાં બેઠેલી કોઈ પણ વ્યક્તિને આ વાક્યનો અર્થ અને ગંભીરતા બંન્ને સમજાયો નહીં. ત્યારે ભાજપ પાસે ક્યાય સત્તા ન્હોતી, પણ 1987માં નરેન્દ્ર મોદી મહામંત્રી થયા પછી પહેલી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને સત્તા મળી હતી. નરેન્દ્ર મોદીના કારણે ઘણા શિક્ષિત લોકો ભાજપ તરફ વળ્યા હતા અને શિક્ષિત લોકો કોર્પોરેશનની ચૂંટણીમાં જીત્યા પણ હતા. જેના કારણે સ્વભાવીક રીતે નરેન્દ્ર મોદીને ભાજપમાં એક વ્યૂહ રચનાકાર તરીકે જોવા લાગ્યા હતા.

અમદાવાદ કોર્પોરેશનની પહેલી જીત પછી જે બાપુ નરેન્દ્ર મોદીને ભાજપમાં લઈ આવ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે મોદીને તેમને ઓવરટેક કરી જઈ રહ્યા છે અથવા બીજા શબ્દોમાં તે પોતાની શક્તિઓને પડકારી રહ્યા છે. જો કે ત્યારે બાપુને જે લાગી રહ્યું હતું તે ખુબ ઉતાવળીયું હતું. છતાં ભાજપની આંતરિક મીટિંગ્સમાં એવું થતું કે સામાન્ય પ્રણાલી પ્રમાણે બાપુ આવે પછી જ મીટિંગ શરૂ થતી હતી, કારણ તે કુટુંબના વડા હતા. કદાચ બાપુ મોડા આવે તો મીટિંગ મોડી શરૂ થતી હતી પણ નરેન્દ્ર મોદી આવ્યા પછી બાપુ મોડા પડે તો મોદી કહેતા વાઘેલાની રાહ જોવાની જરૂર નથી મીટિંગ શરૂ કરી દો. આ વાત બાપુના કાન ઉપર પડવા લાગી હતી. બાપુ જેનો દોસ્ત માની રહ્યા હતા તે દોસ્તને હવે પાંખો ફુટી હતી અને તે ક્રમશ: ભાજપ ઉપર કબજો જમાવી રહ્યા હતા. બાપુ નરેન્દ્ર મોદીની પાંખો કાપવા માગતા હતા પણ તેઓ પોતે જ મોદીને લાવ્યા હોવાને કારણે તેમના માટે પાંખો કાપવી સહેલી ન્હોતી.

1990માં કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ થયા ત્યારે તેમણે તેમના હાથે મોદીને કટ ટુ સાઈઝ કરી નાખવાનું નક્કી કર્યુ. રાણા પ્રદેશ પ્રમુખ થયા ત્યારે બાદ પ્રદેશ માળખાની જાહેરાત થઈ તેમાં નરેન્દ્ર મોદીને મહામંત્રીમાંથી ખસેડી સુરેશ મહેતાને મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે મોદીને પણ આટલી જલદી હાર માને તેમ ન્હોતા, તેમણે પણ એક ત્રાગુ કર્યું. આ ઘટનાના થોડા દિવસ બાદ લાલકુષ્ણ અડવાણી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદના ટાગોર હોલમાં આવ્યા હતા. જેવા અડવાણી ટાગોર હોલમાં દાખલ થયા તેની સાથે નરેન્દ્ર મોદીના સર્મથકોએ નરેન્દ્ર મોદીના નામની નારેબાજી શરૂ કરી. મોદી આ પ્રકારે ભાજપમાં પોતાના ફોલોઅર્સ છે તેવું શક્તિ પ્રદર્શન કરવા માગતા હતા અને તેમાં તે સફળ થયા. અડવાણીને પણ લાગ્યું કે પ્રદેશ પ્રમુખ રાણા મોદી જેવા શક્તિશાળી પદાધિકારીને પડતા મુકી યોગ્ય નિર્ણય લીધો નથી. તેના કારણે રાષ્ટ્રીય કક્ષાએથી દબાણ આવ્યું અને નરેન્દ્ર મોદીને ફરીથી મહામંત્રી બનાવવાનો નિર્ણય લેવો પડ્યો હતો. આ મોદી અને બાપુનું પહેલુ એન્કાઉન્ટર હતું.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive