હું પ્રશાંત દયાળ: ભાગ-9: 1992માં ચારૂભાઈને અમેરીકા જવાનું થયુ. તેઓ અમેરીકા જતા રહ્યા પણ ત્યાં સુધીમાં તેમની પાસે શીખી શકાય એટલુ કામ શીખી લીધુ હતું. હવે હું એવા સ્વિમીંગ પુલમાં હતો કે જ્યાં મારો કોચ ન્હોતો, મારે એકલાએ હવે સ્વીમીંગ કરવાનું હતું. હવે ખરેખર મારી પરિક્ષાનો પ્રારંભ થયો હતો. સમભાવમાં મારો પગાર શરૂ થઈ ગયો હતો. જો કે પગાર કેવી રીતે શરૂ થયો તે પણ રસપ્રદ ઘટના છે. એક દિવસ મનેં ભુપતભાઈએ બોલાવ્યો અને કહ્યુ કે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસ બહાર શિક્ષકો ઉપવાસ ઉપર બેઠા છે, તેમને મળી તેમની સ્ટોરી કરી આવો. મેં પુછ્યુ સાહેબ કેમ શિક્ષકો ઉપવાસ ઉપર બેઠા છે? તેમણે કહ્યુ તેમની માગણી છે કે સરકાર દ્વારા જે પગાર આપવામાં આવે છે તે પહેલા સ્કૂલ સંચાલક પાસે જાય છે અને પછી તે શિક્ષકોને આપે છે. શિક્ષકોની માગણી છે કે તેમને ડાયરેક્ટ તેમના એકાઉન્ટમાં પગાર મળે. હું હસ્યો. તેમણે પુછ્યુ કેમ હશો છો? મેં કહ્યુ સર મારો પગાર પણ શરૂ થાય તેવુ કંઈક કરોને.. તે પણ હસવા લાગ્યા તેમણે કહ્યુ સારુ આ મહિનાથી શરૂ કરીશુ. મને ક્રમશ: સમજાવા લાગ્યુ હતું કે ભુપતભાઈ જે રીતે અખબાર ચલાવે છે તેમાં તેમને ખાસ કંઈ મળતુ ન્હોતુ. કારણ કે જાહેરખબરનું પ્રમાણ ખુબ ઓછુ હતુ. સરકારી જાહેરખબરમાંથી બધો ખર્ચ નિકળે તે શક્ય ન્હોતુ. બીજા મહિને તેમણે મને બોલાવ્યો અને પોતાના ઝભ્ભાના ખીસ્સામાંથી પાંચસો રૂપિયા કાઢ્યા અને કહ્યુ આ તારો પગાર છે. આ મારો પહેલો પગાર હતો તે પણ પાંચસો રૂપિયા. પછી દર મહિને તેઓ મને ખીસ્સામાંથી જ પગાર આપતા હતા. તેનો અર્થ હું તેમના રેકોર્ડ ઉપર ક્યાય કર્મચારી ન્હોતો. જો કે સમભાવ પ્રેસની વહિવટી બાબત ભુપતભાઈના પુત્ર કિરણ વડોદરીયા સંભાળતા હતા. કિરણ વડોદરીયા એકદમ હેન્ડસમ અને હસમુખો માણસ, ભાગ્યે જ તેમના ચહેરા ઉપર ગુસ્સો આવે અથવા તનાવ જોવા મળે જ નહીં. જો કે ભુપતભાઈ પોતાના ખીસ્સામાંથી પગાર આપતા હોવાને કારણે ક્યારેક તેમની પાસે ત્રણસો રૂપિયા હોય તો ત્રણસો જ આપે. પછી તે મને કહે આવતા મહિને બાકીના બસો લઈ જજે, પણ પછી તેઓ ભુલી જાય અને મારી માંગવાની હિમંત થાય નહીં, છતાં સમભાવની મારી સફર ઘણી સારી હતી.

1993માં અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા હતી. મારે મારા પત્રકાર મિત્રો સાથે રથયાત્રાના કવરેજ માટે જવાનું હતું. બાબરી મસ્જીદ તોડી પાડવાની ઘટના પછી આ પહેલી રથયાત્રા હતી. જો કે ત્યારે મને અમદાવાદની ઘટનાઓની ખબર પડતી ન્હોતી. ત્યારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જીદ તુટી તેની મને ખબર હતી પણ તેના કેવા પ્રત્યાઘાત પડશે તેનો મને અંદેશો ન્હોતો. હું જયેશ ગઢવી, કેતન ત્રિવેદી અને પ્રશાંત પટેલ સાથે રથયાત્રાના દિવસે બપોરે કવરેજ કરવા માટે સમભાવ પ્રેસથી નિકળ્યા. અમારે દરિયાપુર જવાનુ હતું. અમે ચાલતા જ સમભાવથી દરિયાપુર જવા નિકળ્યા અને અમારી મસ્તીમાં ધમાલ કરતા કરતા દરિયાપુર તરફ જઈ રહ્યા હતા. અમે દિલ્હી ચકલા પાસે પહોંચ્યા, અમારે જોર્ડન રોડથી લોકોની ભીડ પાર કરી દરિયાપુર જવાનું હતું, પણ અમે જેવા દિલ્હી ચકલા પહોચ્યા અમે જોયુ કે જોર્ડન રોડથી દિલ્હી ચકલા તરફ લોકો દોડી રહ્યા હતા. તેમની પાછળ રથયાત્રામાં સામેલ હાથીઓની કતાર પણ દોડી રહી હતી. મેં હાથીને આટલા ઝડપથી પહેલી વખત દોડતા જોયા હતા. હાથી ઉપર બેઠેલા મહાવાતો સતત હાથીને દોડવી રહ્યા હતા. માહોલમાં એક પ્રકારનો ડર હતો. મારે માટે આ પહેલી વખતનો અનુભવ હતો. મને કંઈ સમજાયુ નહીં  પણ જયેશ ગઢવી અમારા પૈકી સિનિયર પત્રકાર હતો, તે ગંભીરતા સમજી ગયો, તેણે કહ્યુ ધ્યાન રાખજો અહિંયાથી ભાગવુ પડશે. હાથીઓની પાછળ રહેલી ટ્રક એકદમ સ્પીડમાં આવી રહી હતી. જો કે ટ્રકમાં જે લોકો બેઠા હતા તે પૈકી અનેકના માથા ફુટેલા હતા. લોહી વહીં રહ્યુ હતું. હવે મને ગંભીરતા સમજાઈ હતી. રથયાત્રા ઉપર લતીફ ગેંગના ગુંડાઓએ હુમલો કરી લીધો હતો. જો કે રથયાત્રામાં જે લોકો સામેલ હતા તેમને પણ હુમલો થશે તેના એંધાણ હતા, તેઓ પણ ટ્રકમાં પથ્થરો સહિત અને હથિયારો લઈ આવ્યા હતા. ત્યાં આગળ એક પોલીસ ઈન્સપેક્ટર ઉભા હતા. હું તેમને પહેલી વખત કારંજ પોલીસ સ્ટેશનમાં જયેશ ગઢવી સાથે મળ્યો હતો, તે એલ. એચ. દેસાઈ હતા.

ઈન્સપેક્ટર એલ. એચ. દેસાઈ બંને તરફથી થઈ રહેલી હિંસાને રોકવાનો પ્રયત્ન કરી રહ્ય હતા. પોલીસને સમજાતુ ન્હોતુ કે યાત્રા ઉપર હુમલો કરનારને રોકવા કે પછી યાત્રામાંથી મુસ્લિમ વસ્તી ઉપર પથ્થરમારો કરી રહેલા લોકોને રોકવા,.પોલીસે ટીયરગેસના શેલ છોડવાની શરૂઆત કરી. ચારે તરફ ધુમાડો ધુમાડો થઈ ગયો, મને ડર લાગવા લાગ્યો હતો કારણ હું આવા માહોલ માટે તૈયાર ન્હોતો પણ સ્થિતિ બગડી રહી હતી. હવે મુસ્લિમ વસ્તિમાંથી યાત્રા ઉપર ખાનગી ગોળીબાર થવા લાગ્યા. ઈન્સપેક્ટર દેસાઈએ બાજુમાં ઉભા રહેલા એસઆરપી જવાનની થ્રીનોટથ્રી રાયફલ હાથમાં લીધી અને તેઓ ગોળીબાર કરી રહેલા મુસ્લિમો પર એક પછી એક ગોળી છોડવા લાગ્યા. જયેશ ગઢવી સમજી ગયા, હવે આ સ્થળ અમારે માટે પણ જોખમી હતું. અમારે નિકળી જવાનું હતું. જયેશ ગઢવીએ કહ્યુ જેમ બને તેમ જલદી આપણે અહિંયાથી નિકળી પ્રેસ ઉપર પહોંચી જઈએ, હવે આખી ઘટના હિન્દુ મુસ્લિમના તોફાનમાં બદલાઈ ગઈ હતી. અમને સમાચાર મળ્યા કે દરિયાપુરમાં સીઆરપીએફના એક પોલીસ ઈન્સપેક્ટરને પણ ગોળી મારી દેવામાં આવી હતી જેમાં તે મરી ગયા હતા, જેના કારણે પોલીસ પણ હવે બદલો લેવા માટે તુટી પડી હતી.

અમારી એક સમસ્યા એવી હતી કે અમારે સમભાવ પ્રેસમાં પાછા જતા મીરઝાપુર અને શાહપુર જેવા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થવાનું હતું. અમે ભલે પત્રકાર હતા પણ રસ્તામાં મુસ્લિમોનું કોઈ ટોળુ મળી જાય અને અમારી ઉપર હુમલો કરી બેસે તો? હવે ચાલતા પ્રેસ જઈ અને તે દરમિયાન રસ્તામાં તોફાન શરૂ થઈ જાય તો અમે ફસાઈ જઈએ તેવો ડર હતો. જયેશ ગઢવીએ કહ્યુ આપણે દોડતા પ્રેસ તરફ જઈએ, મેં ચપ્પલ પહેર્યા હતા, નાના હતા અને રમતા હતા ત્યારે દોડતી વખતે ચપ્પલ કાઢી હાથમાં પકડી દોડતા હતા તે મને યાદ આવ્યુ. મેં હાથમાં ચપ્પલ કાઢી પકડી લીધા અને પાછુ જોયા વગર અમે બધા સમભાવ પ્રેસ તરફ દોડવા લાગ્યા. મીરઝાપુર અને શાહપુરમાંથી દોડતા જતા હતા ત્યારે રસ્તામાં અમને અનેક હિન્દુ અને મુસ્લિમો મળ્યા તેમણે પુછ્યુ કેમ દોડો છો? તેનો અર્થ એ હતો કે હજી તેમના સુધી તોફાનના સમચાર પહોંચ્યા ન્હોતા, જે અમારા માટે સારા સમાચાર હતા. અમે દોડતા દોડતા છેક  સમભાવ પહોંચ્યા ત્યારે મેં મારા ચપ્પલ નીચે મુક્યા પણ પછી જયેશ ગઢવી ફોન ઉપર શહેરમાં ક્યા શું બન્યુ તેની તપાસ શરૂ કરી રહ્યા હતા. ધીરે ધીરે શહેર તોફાનની આગમાં સળગવા લાગ્યુ હતું. મારા માટે આ પહેલુ કોમી તોફાન હતું જેનું મારે રિપોર્ટીંગ શીખવાનું હતું. અમે તે દિવસે મોડી રાત સુધી કામ કરી રહ્યા હતા. રાત પડતા આખુ અમદાવાદ શહેર કરફ્યુમાં બદલાઈ ગયુ હતું. હજી હું સમભાવનો ઓફિસીયલ પત્રકાર ન્હોતો જેના કારણે મારી પાસે આઈડેન્ટી કાર્ડ પણ ન્હોતુ. જો કે તે રાત્રે હું મારા સાથી પત્રકારો સાથે ઘરે જવા નિકળ્યો. મારા સદનસીબે રસ્તામાં પોલીસ હોવા છતાં કોઈએ અમને રોકી પુછ્યુ ન્હોતુ.

(ક્રમશ:)

અગાઉના ભાગ

હું પ્રશાંત દયાળ ભાગ-1: હું ગેરેજમાં નોકરી કરતો હતો, સંદેશમાં ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ અનુભવ ન્હોતો 

હું પ્રશાંત દયાળ ભાગ-2: ‘તમે ત્યાં જઇને કહેજો સાહેબ મારે પગાર જોઈતો નથી એટલે તમને કામ મળી જશે’  

હું પ્રશાંત દયાળ ભાગ-3: ‘મમ્મી પાસે રહેવાની એ જીદને કારણે મને તેનાથી દૂર અમરેલી ભણવા મોકલી દેવાયો’

હું પ્રશાંત દયાળ ભાગ-4: હું અનામત કેટેગરીમાં આવતો ન હતો તેથી 43 ટકાએ મને યુનિવર્સિટીમાં પત્રકારત્વમાં એડમિશન ન મળ્યું  

હું પ્રશાંત દયાળ: ભાગ-5: 'મારા પપ્પાએ થપ્પડ મારી ત્યારે મને પહેલીવાર ખબર પડી કે....'   

હું પ્રશાંત દયાળ ભાગ-6:  તે દિવસે અમારી ઓફિસમાં આવેલા એ ક્રાઇમ રિપોર્ટરને જોઈ હું ખૂબ ડરી ગયો હતો

હું પ્રશાંત દયાળ ભાગ-7: એક પત્રકારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી પર ગુસ્સે થઇ કહ્યું ‘આ પ્રકારનો અંહકાર સારો નહીં’

હું પ્રશાંત દયાળ ભાગ-8: હું કોલેજમાં ભણતો ત્યારે રાત્રે રિક્ષા ચલાવતો, પત્રકાર બન્યો છતાં રાત્રે હોમગાર્ડની નોકરી કરવી પડતી