પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-8): હજી ભાજપની સ્થાપના થઈ ન્હોતી, જનસંઘનું અસ્તીત્વ હતું. કોંગ્રેસનો સિતારો બુલંદ હતો. કોર્પોરેશનની ચૂંટણી લઈ વિધાનસભાની ચૂંટણીમાં જનસંઘના નેતાઓ ઉમેદવાર શોધવા નિકળે તો જનસંઘની ટિકિટ લેવા પણ કોઈ તૈયાર થતું ન્હોતું તેવા દિવસોમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે કામ કરતા હતા. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વિચારધારાથી પ્રભાવીત થઈ તેમણે જિંદગીની શરૂઆત કરી હતી, ત્યારે સત્તા આવશે તેવું દુર દુર સુધી કોઈને દેખાતુ ન્હોતું. કેશુભાઈ પટેલની ઘરની સ્થિતિ પણ અત્યંત ખરાબ હતી. શિક્ષણ પ્રત્યે ખાસ લગાવ પણ ન્હોતો જેના કારણે પ્રાથમિક શિક્ષણ શરૂ કરી ઘરની ખેતીમાં ધ્યાન આપવાની શરૂઆત કરી, પણ પોતાના ખેતરમાં ખાતર લાવવાના પણ પૈસા ન્હોતા. તેના કારણે રાતના અંધારામાં ગટરમાં ઉતરી તેનો કાપ કાઢી પોતાના ખેતરમાં પાથરતા હતા.

ત્યાર બાદ મચ્છુ ડેમ તૈયાર થઈ રહ્યો હતો ત્યાં જઈ મજુરો માટે અનાજ દળવાની ઘંટી પણ શરૂ કરી હતી. મચ્છુ ડેમની સાઈટ ઉપર કામ કરતા એક મજુરનું મોત થતાં કોન્ટ્રક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા. મૃત મજુર પરિવારની સ્થિતિ જોઈ દ્રવી ઉઠેલા કેશુભાઈ સાઈટ ઉપર કામ કરતા મજુરોને ટ્રકમાં ભરી કોન્ટ્રાક્ટરને ત્યાં અમરેલી પહોંચી ગયા અને વળતર ચુકવાની ફરજ પાડી હતી. બસ આ એક ટર્નીંગ પોઈન્ટ હતો. આવી જ બીજી એક ઘટના રાજકોટમાં ઘટી, કેશુભાઇ સાયકલ ઉપર સંઘની શાખામાં જતા હતા ત્યારે તેમણે જોયું કે લીલીયા દાદા નામનો એક દાદો એક વ્યક્તિને ખુબ મારી રહ્યો હતો. લોકો ભેગા થઈ તમાશો જોઈ રહ્યા હતા પણ કેશુભાઈ આ જોઈ શક્યા નહીં. તેમણે પોતાની સંઘની લાઠી વડે લીલીયા દાદાને ઝુડી નાખ્યો હતો અને લીલીયો ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. આ ઘટના બાદ એકત્ર થયેલા લોકોએ કેશુભાઈને ખભે બેસાડી રોજકોટમાં સરઘસ કાઢયુ હતું. ત્યાર બાદ રાજકોટ નગરપાલિકાની ચૂંટણી આવી તો રાજકોટના લોકોએ ભેગા થઈ કેશુભાઈ પટેલને પરાણે કાઉન્સીલરની ચૂંટણીમાં ઊભા રાખ્યા અને તેઓ જનસંઘમાં કાઉન્સીલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આમ કેશુભાઈ પટેલ જાહેર જીવનમાં આવ્યા હતા, સાવ સામાન્ય પરિવારના કેશુભાઈ પટેલ સામે શંકરસિંહની સ્થિતિ થોડી સારી હતી. તેમની પાસે એક મોટર સાયકલ હતી, જનસંઘ પાસે તો પૈસા હતા નહીં પણ બાપુ પોતાના પૈસે મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવી ગામે ગામ ફરી લોકોને મળતા હતા. આજે ગુજરાતનું એક પણ ગામ એવું નથી કે જ્યાં બાપુને વ્યક્તિગત ઓળખનાર વ્યકિત ના હોય. જો કે જનસંઘમાં ત્યારે ગાભાજી ઠાકોર હતા, તેમની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી. એક માત્ર જનસંઘમાં કોઈની પાસે કાર હોય તો તે ગાભાજી પાસે હતી. જેના કારણે ભાજપના કોઈ રાષ્ટ્રીય નેતા અમદાવાદ આવવાના હોય તો ગાભાજીને અચુક બોલવા પડે, કારણ કાર તો ગાભાજી પાસે જ હતી. અટલ બિહારી બાજપાઈ આખુ ગુજરાત ગાભાજી ઠાકોરની કારમાં જ ફરતા હતા. આમ જનસંઘ પાસે પૈસા ન્હોતા પણ એકબીજાની દરકાર લેવાની ભાવના ખુબ હતી. આ જ પ્રકારે અશોક ભટ્ટ પણ એકદમ સામાન્ય સ્થિતિમાંથી આવતા હતા. ઘરનું ગુજરાન ચલાવવા માટે તેઓ સરકસમાં કોમેન્ટ્રી આપવાનું કામ કરતા હતા.

અમદાવાદની સાબરમતી નદીમાં માત્ર ચોમાસામાં જ પાણી રહેતું હતું બાકીના આઠ મહિના નદી કોરી રહેતી હતી, ત્યારે સરકસ નદીના પટમાં આવતા હતા. જો કે સરકસનો સ્ટાફ બીનગુજરાતી હોવાને કારણે તેમાં કોમેન્ટ્રી આપવા માટે અશોક ભટ્ટ જતા હતા. ત્યાર બાદ જાણિતી અરવિંદ મિલમાં તેઓ મિલ કામદાર તરીકે જોડાયા હતા, પણ જનસંઘના મોટા ભાગના લોકોને પોતાના જ ઘરનું ગુજરાન ચલાવવા માટે મુશ્કેલી હતી. 1980માં જનસંઘને રાજકિય પક્ષ તરીકે ભાજપનું નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ગુજરાતના કર્તાહર્તા બે મુખ્ય નામ કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા હતા. ભાજપની સ્થાપના બાદ તેનું પ્રદેશ કાર્યાલય પણ હોવું જોઈએ તેવું નક્કી થયું ત્યારે પોતાનું મકાન ખરીદી શકવાની ભાજપ પાસે ત્રેવડ ન્હોતી. તેથી ભાડાની જગ્યા શોધતા હતા, ત્યારે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા એલિસબ્રીજ શોપીંગ સેન્ટરમાં એક ખાલી દુકાન ઉપર નજર પડી. માસિક 1500નાં ભાડે ભાજપનું પ્રદેશ કાર્યાલય ત્યાં દુકાનમાં શરૂ થયુ હતું.

માંડ દસ બાય વીસની દુકાનમાં ભાજપનું કાર્યાલય હતું. જેમાં કેશુભાઈ અને શંકરસિંહ સાથે બેસતા હતા, પણ દર મહિને પાછું 1500 રૂપિયા લાવવા ક્યાંથી તે પ્રશ્ન થતો હતો. જેમ તેમ કરી છ મહિના તો 1500ના ભાડાની વ્યવસ્થા થઈ, પણ પછી લાગ્યું કે દર મહિને ભાડાની ચિંતા કરવા કરતા ઓછા ભાડાની જગ્યા શોધીએ એટલે બાપુ અને કેશુભાઈએ નક્કી કર્યું કે 1500 રૂપિયા ખર્ચવા કરતા પોળમાં ક્યાંક સસ્તામાં ભાડે જગ્યા મળે તો તે લેવી અને ત્યાર બાદ ખાડિયામાં એક ભાડાના ઘરમાં પ્રદેશ કાર્યાલય લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ભાજપનું પ્રદેશ કાર્યાલય છે ત્યાં હાલમાં સૌરાષ્ટ્ર ગાંઠિયા નામની એક દુકાન ચાલે છે.

હાલમાં ભાજપનું કમલમ્ કાર્યાલય ભલે ભવ્ય હોય પણ ત્યાં સુધી ભાજપને લઈ જવામાં કેશુભાઈ અને શંકરસિંહનું મોટું યોગદાન હતું, પણ હવે ગરીબીના દિવસો જતા રહ્યા હતા. વર્ષોની મહેનત બાદ ભાજપને સત્તા મળી હતી, પણ જ્યારે સત્તા મળી ત્યારે જિંદગી આખી સાથે રહેનાર કેશુભાઈ અને શંકરસિંહ સામ-સામે આવી ગયા હતા. જેમાં એક સૌથી મહત્વનું પાત્ર હતું, તે નામ નરેન્દ્ર મોદી હતું. પ્રચારકમાંથી ભાજપના મહામંત્રી થયેલા નરેન્દ્ર મોદી અને બાપુ એકબીજાને કેમ પસંદ કરતા ન્હોતા તે તેમના વ્યક્તિગત કારણો હતા.

(ક્રમશઃ)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive