હું પ્રશાંત દયાળ: ભાગ-8: મેં જોયુ કે અમદાવાદમાં ઘણા પત્રકારો છે પણ પત્રકાર તરીકેની ખુમારી અને સ્વમાન ચારૂભાઈમાં હતું. તેમને નરેન્દ્ર મોદી બોલ્યા અને ખરાબ લાગ્યુ તેવુ બીજા પત્રકારોને લાગ્યુ ન્હોતુ. મને ચારૂભાઈની આ વાત પસંદ પડી. પત્રકાર તરીકે આપણે કોઈનું અપમાન ના કરીએ પણ આપણે પત્રકાર છીએ  ત્યારે કોઈ આપણુ અપમાન કરે તો તે પણ સાખી લેવુ જોઈએ નહીં. આજે પત્રકાર તરીકે આટલા વર્ષો પછી મારી અંદર દેશીભાષામાં આપણે જે ટણી કહીએ તે કદાચ મારી પત્રકારત્વની ગળથુંથીમાં ચારૂભાઈ પાસેથી મળેલી છે. આમ જોઈએ તો બાળપણથી મારી અંદર પણ એક પ્રકારનો ગુસ્સો ધરબાયેલો હતો. મેં તમને અગાઉ કહ્યુ તેમ હું જ્યારે આઠમાં ધોરણમાં હતો અને ફુલ્લી નાપાસ થયો ત્યારે મારા પપ્પાએ મને એક લાફો માર્યો અને કહ્યુ, અમે નોકરી કોના માટે કરીએ છીએ, તારે ભણવુ જ ના હોય તો અમારે બંન્નેએ શુ કામ નોકરી કરવી જોઈએ? મને માઠુ લાગ્યુ, બીજા વર્ષે સ્કૂલ શરૂ થઈ એટલે મારે મારા જુનિયર જે સાતમાં ધોરણમાંથી આઠમાં આવ્યા હતા  તેમની સાથે ફરી આઠમાં ધોરણમાં ભણવાનું હતું. મને બહુ સંકોચ થતો હતો પણ મારી પાસે કોઈ રસ્તો ન્હોતો. એક દિવસ હું સ્કૂલમાંથી છુટી કાપડની થેલીનું દફતર ખભે ટાંગી ઘરે જઈ રહ્યો હતો. મેં મારા ઘર પાસે એક સ્કૂટર ગેરેજ જોયુ, હું ત્યાં રોકાયો, ગેરેજવાળા કામ કરી રહ્યા હતા. એક સ્કૂટર ધોઈ રહ્યો હતો, એક માણસ રીપેર કરી રહ્યો હતો. ગેરેજવાળાએ મારી સામે જોયુ અને પુછ્યુ શુ છે? મેં તેમને કહ્યુ મને નોકરી આપશો? તેણે મારી સામે જોયુ. હું સ્કૂલ યુનિફોર્મમાં હતો. એકદમ નાનો છોકરો છે, તેણે મને આશ્ચર્ય સાથે પુછ્યુ તને કામ આવડે છે? મેં માથુ હલાવી ના પાડી, પછી જે માણસ સ્કૂટર ધોઈ રહ્યો હતો તેની તરફ ઈશારો કરતા કહ્યુ આ કામ આવડશે. તે ગેરેજવાળાએ એક મિનિટ વિચાર કર્યો. કદાચ તેને મારા જેવા ટેળીયાની જરૂર હશે. તેણે કહ્યુ આવતીકાલથી આવી જજે. હું ખુશ થયો, મારા ચહેરા ઉપર હાસ્ય આવ્યુ, હું પછી ઘર તરફ ચાલવા લાગ્યો, તેણે મને બુમ પાડી કહ્યુ રોજના પાંચ રૂપિયા પગાર આપીશ. હું વધારે રાજી થઈ ગયો. આઠમાં ધોરણમાં ભણતા છોકરા માટે તો રોજના પાંચ રૂપિયા પગાર બહુ મોટો હતો. મારી સ્કૂલ સાથે ગેરેજની નોકરી શરૂ થઈ. સ્કૂલેથી બાર વાગ્યે છુટ્યા પછી ઘરે જવાનું અને પછી ગેરેજમાં રાતના આઠ વાગ્યા સુધી કામ કરવાનું. ધીરે ધીરે સ્કૂટર ધોવાની સાથે હું ગેરેજનું કામ પણ શીખી ગયો. આ મારી ટણી હતી, મારા પિતાને મારૂ આ કામ પસંદ પડ્યુ ન્હોતુ પણ સાચા કે ખોટા નિર્ણય લેવાની મને પરવાનગી તેમણે આપી હતી. હું બારમાં ધોરણ સુધી આવ્યો ત્યાં સુધી મેં ગેરેજમાં જ નોકરી કરી. ત્યાર પછી કંઈ બહુ સારા માર્ક ન્હોતા આવતા પણ પાસ થઈ જતો હતો. આઠમાં ધોરણથી મેં ઘરેથી પોતાના માટે પૈસા લેવાનું બંધ કર્યુ હતું.

કોલેજમાં આવ્યો, થોડુ ભણવાનું કાઠુ પણ પડતુ હતું. મેં દિવસની ગેરેજની નોકરી છોડી, દિવસે કોલેજ જતો, ઘરે આવી અભ્યાસ કરતો અને રાત્રે ભાડાની રીક્ષા ફેરવતો હતો. મારી પાસે ઓટોરીક્ષાનું લાઈસન્સ પણ હતું પણ રીક્ષા ડ્રાઈવર માટે બેઝ ફરજીયાત હોય છે તે મારી પાસે ન્હોતો. કારણ બેઝ એકવીસ વર્ષની ઉમંરે જ મળે, તેના કારણે રાત્રે રીક્ષા લઈ નિકળુ ત્યારે ક્યાંક પોલીસ મને બેઝ વગર પકડી લેશે તેવા ડરમાં આખી રાત મુસાફરોને લઈ પોલીસ ઓછી હોય તેવા રસ્તે નિકળતો હતો. હું રીક્ષા ચલાવુ છું તે વાત પણ મારા મમ્મી-પપ્પાને પસંદ ન્હોતી. રાતના આઠથી સવારના પાંચ વાગ્યા સુધી રીક્ષા ચલાવુ ત્યારે ભાડુ અને પેટ્રોલનો ખર્ચ કાઢતા મને માંડ દસ-બાર રૂપિયા મળતા હતા, પણ તે મારો ખર્ચ કાઢવા માટે બહુ હતા. કોલેજ પુરી કરી અને જર્નાલીઝમ કર્યુ ત્યાં સુધી મેં રીક્ષા ચલાવી હતી. જો કે જીંદગીનો આ અનુભવ મને લોકો સાથે કેવો વ્યવહાર કરવો તે ઘણુ બધુ શીખવી ગયો હતો. હવે હું પત્રકાર થઈ ગયો પણ વગર પગારનો પત્રકાર હતો. હવે હું જ્યારે મને નોકરી મળી ગઈ છે તેવો દાવો કરતો હોઉ ત્યારે ઘરે એવુ કહું કે પગાર મળતો નથી તો મારા મમ્મી-પપ્પા કહી દે ભાઈ આવી તો નોકરી હોય તેના કારણે મેં ઘરે કહ્યુ જ ન્હોતુ કે પગાર મળતો નથી, પણ મારે મારો ખર્ચ તો કાઢવાનો હતો. કારણ સ્કૂટરના પેટ્રોલ સહિતના બીજો ખર્ચ પણ થતો હતો, ત્યારે મને ખબર પડી કે હોમગાર્ડમાં ભરતી આવી છે  અને નાઈટ ડ્યુટીના રોજના 22 રૂપિયા સરકાર આપે છે. હું હોમગાર્ડમાં ભરતી થઈ ગયો. દિવસે પત્રકારત્વ કરવાનું અને રાત્રે નોકરી પુરી કરી નારણપુરા, સેટેલાઈટ અને નવરંગપુરા જેવા પોલીસ સ્ટેશન ઉપર હાજર થઈ પોલીસ જ્યાં પણ નોકરી ફાળવે ત્યાં નાઈટ પેટ્રોલીંગમાં જવાનું. ઉનાળામાં ખાસ વાંધો આવતો ન્હોતો પણ શિયાળામાં આખી રાત ઠંડીમાં ખુલ્લા રસ્તા ઉપર બેસી રહેવુ બહુ આકરુ પડતુ હતું. આવુ કામ મેં ક્યારેય કર્યુ ન્હોતુ. શિયાળા કરતા ચોમાસુ વધારે ખરાબ હતુ કારણ આખી રાત જાગવુ પડતુ, વરસાદ પડતો હોય તો જવુ ક્યાં? એટલે કોઈ દુકાનની આગળના શેડ નીચે આખી રાત બેસી રહેવુ પડતુ હતુ. સવારના છ વાગ્યા સુધી જાગવાનું પછી ઘરે આવી સુઈ જવાનું પાછુ સવારે અગીયાર વાગ્યે પત્રકાર તરીકેની નોકરી શરૂ થઈ જતી, બહુ તકલીફ પડતી હતી પણ તકલીફનો રસ્તો મેં જાતે પસંદ કર્યો હોવાને કારણે તે તકલીફની પીડા ઓછી હતી.

મારા પપ્પા મારો ચહેરો જોઈ મારી અંદર ચાલી રહેલી ગરબડ સમજી શકતા ન્હોતા પણ મારી મમ્મી સમજી જતી હતી. તે મને કહેતી કે ના થાય તો ચિંતા કરીશ નહીં, નોકરી છોડી દે આપણે બીજુ કંઈક કરીશુ પણ મારે તો પત્રકાર થવુ જ હતું. ક્યારેક એકલામાં રડી પાછો હળવો થઈ જતો હતો અને એક નવા દિવસની તૈયારી કરતો હતો. આ દિવસોમાં મને ચારૂભાઈ ખુબ ઉપયોગી થઈ પડ્યા. તેમને જ્યારે ખબર પડી કે હું હોમગાર્ડમાં કામ કરૂ છું ત્યારે તેમને પણ તે વાત પસંદ પડી ન્હોતી પણ તેમણે મને કંઈ કહ્યુ નહીં.  હું તેમની સાથે ગાંધીનગર, વિધાનસભા અને સચિવાલય જવા લાગ્યો હતો. મેં જોયુ કે નાના અધિકારીઓ સાથે તે બહુ સૌજન્યપુર્વક વાત કરતા હતા પણ જો સામે કોઈ મોટો અધિકારી અથવા મંત્રી હોય તો ચારૂભાઈનો અવાજનો ડેસીબલ ઉચો થઈ જતો હતો, તે મંત્રીઓ અધિકારીઓ સાથે જે રીતે વાત કરતા હતા તેના કારણે સચિવાલયના નાના અધિકારીઓ ખુબ ખુશ રહેતા હતા, તેમને આનંદ થતો હતો કે અમારા સાહેબને કોઈ માથાનો મળ્યો છે. જો કે આવુ જોઈ મેં પણ ચારૂભાઈના વ્યવહારની નકલ કરી પણ ક્યારેક તે મારા માટે ભુલ સાબુત થઇ. ચારૂભાઈ જે પ્રકારનો વ્યવહાર કરતા હતા તેમાં તેમનો વર્ષોનો અનુભવ, તેમનું જ્ઞાન અને તેમના મંત્રીઓ અને અધિકારીઓ સાથે વર્ષોના સંબંધો પણ હતા, પણ તેમની સરખામણીમાં હું તો ઘણો જ જુનિયર હતો. મારે તેમને જોઈ શીખવાનું હતું પણ તેમની નકલ કરવાની ન્હોતી.

(ક્રમશ:)

અગાઉના ભાગ

હું પ્રશાંત દયાળ ભાગ-1: હું ગેરેજમાં નોકરી કરતો હતો, સંદેશમાં ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ અનુભવ ન્હોતો 

હું પ્રશાંત દયાળ ભાગ-2: ‘તમે ત્યાં જઇને કહેજો સાહેબ મારે પગાર જોઈતો નથી એટલે તમને કામ મળી જશે’  

હું પ્રશાંત દયાળ ભાગ-3: ‘મમ્મી પાસે રહેવાની એ જીદને કારણે મને તેનાથી દૂર અમરેલી ભણવા મોકલી દેવાયો’

હું પ્રશાંત દયાળ ભાગ-4: હું અનામત કેટેગરીમાં આવતો ન હતો તેથી 43 ટકાએ મને યુનિવર્સિટીમાં પત્રકારત્વમાં એડમિશન ન મળ્યું  

હું પ્રશાંત દયાળ: ભાગ-5: 'મારા પપ્પાએ થપ્પડ મારી ત્યારે મને પહેલીવાર ખબર પડી કે....'   

હું પ્રશાંત દયાળ ભાગ-6:  તે દિવસે અમારી ઓફિસમાં આવેલા એ ક્રાઇમ રિપોર્ટરને જોઈ હું ખૂબ ડરી ગયો હતો

હું પ્રશાંત દયાળ ભાગ-7: એક પત્રકારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી પર ગુસ્સે થઇ કહ્યું ‘આ પ્રકારનો અંહકાર સારો નહીં’